Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વાયરલ ન્યુમોનિયાના તમામ દર્દીને RT-PCR ટેસ્ટના રીઝલ્ટને ઘ્યાનમાં લીધા વિના કોરોનાના દર્દીની જેમ સારવાર કરવા આરોગ્ય મંત્રીને પત્ર પાઠવતાં ડો. ભરત કાનાબાર

કોવિડના ઘણા દર્દીઓમાં તેના નિદાન માટેનો RT-PCR ટેસ્ટ નેગેટીવ આવે છે ત્યારે... : અમરેલી સીવીલ હોસ્પીટલને વધારાનો મેન પાવર અને વેન્ટીલેટર ફાળવવા અપીલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૨ : કોરોનાના વર્તમાન બીજા વેવમાં કોરોનાના વાયરસે પોતાનું સ્વરૃપ બદલ્યું છે એટલું જ નહિં પણ કોરોનાથી સંક્રમિત અત્યારના દર્દીઓમાં ઈન્ફેકશન માટે ડબલ મ્યુટેશન થયેલ સ્ટ્રેઈન ઉપરાંત ઘણાં બધાં કેસોમાં બ્રાઝીલ, યુ.કે. અને આફ્કિાનો સ્ટ્રેઈન જવાબદાર છે. આના કારણે, કોવીડના નિદાન માટે ''ગોલ્ડ સ્ટાર્ન્ડડ'' ગણાતો RT-PCR ટેસ્ટ હવે ઘણા બધા દર્દીઓમાં કોવીડના તમામ ટીપીકલ લક્ષણો અને ફેફસામાં ન્યમોનિયાની અસર છતાં ''નેગેટીવ ''આવે છે. આવા દર્દીને નોન કોવીડ વોર્ડમાં રાખી તેની સારવાર પણ એ રીતે કરવામાં આવે છે. વર્તમાન બદલાયેલ પરિસ્થિતિમાં આ પાછળ કોઈ તર્ક દેખાતો નથી અને ઘણાં બધાં આવા દર્દીઓમાં કોરોનાના દર્દીના પ્રોટોકોલ પ્રમાણે સારવાર ન થવાથી દર્દીની સ્થિતિ ગંભીર બની જાય છે અને ઘણાં બધા દર્દીઓ મૃત્યુને ભેટે છે.

અમરેલી સીવીલ હોસ્પીટલમાં હાલ નોન કોવીડ વોર્ડમાં લગભગ દર્દીઓ છે જેમાંના ઘણાં બધાની હાલત સીરીયસ છે. અમરેલી સીવીલ હોસ્પીટલમાં ICU ફૂલ છે અને એકપણ વેન્ટીલેટર ફ્રી નથી. ઘણાં બધા આવા ''નોન કોવીડ'' દર્દીઓને બાયપેક કે વેન્ટીલેટરની જરૃર હોવા છતાં, હાલ અમરેલી સીવીલ હોસ્પીટલના સાધનો ટાંચા પડયા છે અને આવા દર્દીઓ હવે ફકત કુદરતની દયા પર શ્વાસ લઈ રહયા છે. આવી પરિસ્થિતિમાં અમરેલી જીલ્લાની સીવીલ હોસ્પીટલમાં વધારાના વેન્ટીલેટર પણ તાત્કાલિક ફાળવવા મેં આરોગ્યમંત્રી અને મખ્યમંત્રીને ઈ-મેઈલ કરી જાણ કરી છે.

અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ પણ ખુબજ ગંભીર છે. આરોગ્ય તંત્ર અને તેના કર્મચારીઓ દિન-રાત મહેનત કરી રહયા છે પણ ''આભ ફાટ્યુ છે'' ત્યારે તેઓની પણ મર્યાદા આવી ગઈ છે. શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના ડોકટરો અને સંચાલકો પણ ઉભા પગે છે પણ સાધનો અને મેનપાવરની તીવ્ર મર્યાદા ઉભી થઈ છે. RT-PCR  ટેસ્ટના રીઝલ્ટના ર૪-૪૮ કલાક સુધી મળતાં નથી. અને ત્યાં સુધી દર્દીને યોગ્ય સારવાર શરૃ થઈ શકતી નથી. હોસ્પીટલના તમામ બેડ ભરાય ચૂક્યા છે. અમરેલી જીલ્લો જવાળામુખીની ટોચ પર બેઠો છે. ડો. કાનાબારે અમરેલી જીલ્લામાં બેડ વધારવા, વેન્ટીલેટર અને ઓકિસજનની સુવિધા વધારવા તથા રેમડેસવીરનો પુરતો જથ્થો ફાળવવા મખ્યમંત્રીશ્રીને અને આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી કરી છે.

(2:05 pm IST)