Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ મોરબીવાસીઓ લાચાર : વધુ ૧૦ના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: મોરબીમાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો હોય તંત્ર સંપૂર્ણ રીતે અસમર્થ સાબિત થયું છે. છતાં પણ તંત્ર પરિસ્થિતિ કાબુમાં હોવાના આસમાની દાવા કરી પ્રજાને સત્યથી ભટકાવી રહ્યું છે. આ દરમિયાન સીએમએ પણ મોરબીની મુલાકાત લઈને મોટી મોટી જાહેરાતો કરી હતી. પણ ૬૦ કલાક વીત્યા છતાં આ જાહેરાત પ્રમાણે કોઈ વ્યવસ્થા હજુ સુધી થઈ ન હોય સીએમની જાહેરાતો માત્ર બણગા જ સાબીત થયા છે.

મોરબી જિલ્લામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. તંત્ર સંપૂર્ણ રીતે નાકામ રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ મોરબીની મુલાકાત લઈને ૪૮ કલાકમાં લેબ ઉભી કરવા, રેમડેસીવીર ઈન્જેકસનનો જથ્થો મોકલવા અને બેડની સંખ્યા વધારવાની મસમોટી જાહેરાત કરી નાખી હતી. ઉપરાંત તેઓએ જમીની વાસ્તવિકતા જાણ્યા વગર જ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી નાખ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત બાદ પ્રજામાં આશા જાગી હતી કે તેઓની સૂચનાથી મોરબીમાં તંત્ર પૂરતી વ્યવસ્થા ગોઠવશે. પણ ૬૦ કલાક વીતી ગયા હોય માત્ર તબીબોની ટીમ આવ્યા સિવાય બીજી કોઈ વ્યવસ્થા થઈ ન હોવાનું સામે આવ્યું છે.

હાલ મોરબીની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે ભગવાન ભરોષે છે. મોરબીમાં દર્દીઓના પરિવારજનો ઓકસીજન બેડ અને વેન્ટિલેટર માટે જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં રઝળપાટ કરી રહ્યા છે. બીજી તરફ મોરબીમાં મોતનું તાંડવ પણ યથાવત રહ્યું છે. ઓકસીજનની સુવિધા કે અન્ય કોઈ સુવિધા સમયસર ન મળવાથી દરરોજ દર્દીઓના મોત નિપજી રહ્યા છે. અને તંત્ર વ્યવસ્થા વધારવાના માત્ર દાવા કરીને આ મોતને છુપાવવામાં વ્યવસ્ત છે.

મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત પરિસ્થિતિની ભયાનકતાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરી દયે છે. જે કોઈ અધિકારી કે નેતા મોરબીની પરિસ્થિતિ કાબુમાં હોય તેવા દાવા કરી રહ્યા છે તેઓ એક વખત માત્ર સિવિલ હોસ્પિટલની મુલાકાત લ્યે તેવો અનુરોધ છે. ઉપરાંત હાલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ જેટ ગતિએ વધી રહી છે તે પણ ચિંતાનો વિષય છે. માટે લોકો શકય હોય ત્યાં સુધી બહાર નિકળવાનું ટાળે અને તમામ તકેદારી રાખે તેવી અપીલ છે.

મોરબીના સ્મશાનોમાં વેઇટિંગની સ્થિતિ છે. દર્દીઓ યોગ્ય સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે મોરબીને આ સ્થિતિમાંથી બહાર લાવવા રાજકીય અને સામાજિક તેમજ ઔઘોગિક આગેવાનો તાત્કાલિક આગળ આવે તે અત્યંત જરૂરી છે.

બીજી તરફ મોરબીમાં હજુ પણ કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે જરૂરી રેમડીસીવીર ઇજેકશન જરૂરિયાત મુજબ મળતા નથી. અને એક ચર્ચા મુજબ ભલામણ વાળા લોકોને આસાનીથી મેડિકલ સ્ટોર માંથી ઇંજેકશન મળી રહ્યા છે. જોકે આ મુદ્દો તંત્રના ધ્યાને આવતા હાલ મળતી માહિતી મુજબ તંત્રએ મેડિકલ સ્ટોરમાં રેમડીસીવીર ઇજેકશનનું વેચાણ અટકાવી આ જથ્થો સીધો કોવિડ હોસ્પિટલમાં ફાળવી દેવાયો છે. જોકે આ મૂદે કલેકટર તંત્ર કે સાંસદ મોહન કુંડારીયાનું કોઈ નિવેદન આવ્યું નથી.

જયારે મોરબી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઓકસીઝન બેડ વધારવા માટે કામગીરી શરૂ કરાયાનું જાણવા મળ્યું છે. જોકે રવિવાર સુધી કોઈ બેડ વધ્યા નથી. અને આગામી ત્રણ-ચાર દિવસ સુધી સિવિલમાં નવા બેડ વધે તેવી કોઈ શકયતા દેખાતી ન હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

જયારે મુખ્યમંત્રીએ મોરબી સિવિલમાં ૪૮ કલાકમાં કોરોનાની લેબ શરૂ કરવાના દાવાની વચ્ચે મોરબીમાં આ લેબ મંગળવાર સુધીમાં શરૂ થાય તેવી શકયતા છે. આમ તંત્ર મોરબીમાં સબ સાલામત હોવાના અને જરૂરી સુવિધા વધારવાના કરેલી જાહેરાતો જમીની હક્કીકત પર કયાંય જોવા મળતી નથી.

તંત્રની જેમ ભાજપે પણ આંકડા છુપાવાનું શરૂ કર્યું

સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જયારે ભાજપે પણ તેના રેપીડ ટેસ્ટ કેમ્પમાં કેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવવાતે આંકડો જાહેર કરવાનું બંધ કરી દીધુ છે. આરોગ્ય વિભાગે ૧૧ એપ્રિલ, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૪૫૧ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૫૪ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૬ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જોકે નિર્ભર સરકારી તંત્ર દ્વારા સત્ત્।ાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી. જયારે ફાયર વિભાગ દ્વારા આજે કુલ ૧૦ ડેડબોડીના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કર્યાની માહિતી મળી રહી છે.

લોહાણા વિઘાર્થી ભુવને આઇસોલેશન સેન્ટર કાર્યરત

મોરબીમાં સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર માટે મંજુરી આપવામાં આવી છે છતાં વધુ બેડ અને સુવિધાની જરૂરિયાત હોય જેથી વિવિધ સમાજ દ્વારા કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવતા હોય જેમાં અગાઉ પાટીદાર સમાજ બાદ હવે મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિઘાર્થી ભુવન ખાતે કોરોના કેર સેન્ટર કાર્યરત કરાયું છે તેમજ દરેક સમાજ આવા સેન્ટર ઉભા કરે તેવી અપીલ પણ રઘુવંશી સમાજના આગેવાનોએ કરી હતી અન્ય સમાજ દ્વારા કોવીડ સેન્ટર કાર્યરત કરવામાં આવે ત્યાં દાખલ દર્દી માટે ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ વિનામૂલ્યે કરી આપશે.

રફાળેશ્વર નજીક ૧૦૦ બેડના સમરસતા કોવીડ કેર સેન્ટર

મોરબીમાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તાકીદે ૧૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર રફાળેશ્વર નજીક ડેમ તરફ જતા રસ્તા પર રોડની સાઈટમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ૧૦૦ જેટલા બેડની વ્યવસ્થા સાથે ડોકટર અને નર્સિંગ સ્ટાફ અને જરૂરી દવા તેમજ સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટિવના માઈલ્ડ અસર વાળા દર્દીઓને દાખલ કરવામાં આવશે.

રામાનંદી સાધુ સમાજના હોમ કોરોન્ટાઇન પરિવાર માટે ફ્રી ટીફીન

કોરોના કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે અનેક પરિવારના દરેક સભ્યો કોરોના સંક્રમિત હોય તેવી સ્થિતિમાં મોરબીમાં રામાનંદી સાધુ જ્ઞાતિ માટે ફ્રી ટીફીન સેવા શરુ કરવામાં આવી છે.

કોરોના મહામારીમાં મોરબી શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજના હોમ કોરોનટાઈન હોય તેવા પરિવારોને બપોર અને સાંજે ફ્રી ટીફીન સેવા આપવામાં આવશે જે માટે જીતેશ કુબાવત મો ૯૮૭૯૫ ૨૬૬૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

રોટરી કલબ દ્વારા મંગળવારે કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

મોરબીમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં રોટરી કલબ મોરબી દ્વારા મંગળવારે કોરોના રસીકરણ કેમ્પ યોજાશે.

રોટરી કલબ મોરબી તથા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના સહયોગથી તા. ૧૩ ને મંગળવારે સવારે ૯ થી બપોરે ૧:૩૦ દરમિયાન શ્રી મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનું, શાક માર્કેટ પાસે ગાંધી ચોક મોરબી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાશે જેમાં ૪૫ વર્ષથી મોટી ઉમરના કોઈપણ વ્યકિતને કોરોના વેકસીન નિશુલ્ક આપવામાં આવશે.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી

૨૪

મોરબી ગ્રામ્ય

૧૧

વાંકાનેર સીટી

૦૩

વાંકાનેર ગ્રામ્ય

૦૨

હળવદ સીટી

૦૪

હળવદ ગ્રામ્ય

૦૩

ટંકારા સીટી

૦૦

ટંકારા ગ્રામ્ય

૦૩

માળીયા સીટી

૦૦

માળીયા ગ્રામ્ય

૦૪

આજના જિલ્લાના

૫૪

કુલ નવા કેસ

 

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

 

મોરબી સીટી

૨૪

મોરબી ગ્રામ્ય

૧૧

વાંકાનેર સીટી

૦૩

વાંકાનેર ગ્રામ્ય

૦૨

હળવદ સીટી

૦૪

હળવદ ગ્રામ્ય

૦૩

ટંકારા સીટી

૦૦

ટંકારા ગ્રામ્ય

૦૩

માળીયા સીટી

૦૦

માળીયા ગ્રામ્ય

૦૪

આજના જિલ્લાના

૫૪

કુલ નવા કેસ

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કેસ

* કુલ એકિટવ કેસઃ ૩૫૫ કુલ ડીસ્ચાર્જ  : ૩૩૮૧

*મૃત્યુઆંક ૧૯ (કોરોનાના કારણે) ૨૪૪ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુઃ ૨૬૩ હો

*કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ  : ૩૯૯૯

*અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા  : ૨૧૬૦૦૨

(1:09 pm IST)