Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જૂનાગઢમાં ગેસલાઇન તથા પાણીની પાઇપલાઇન સહિત ૧૫.૧૪ કરોડના કામો મંજૂર કરતી સ્થાયી સમિતિ

મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં સ્વચ્છ શહેર સહિત આરોગ્યને અગ્રતા

જૂનાગઢ તા.૧૨ : મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં અનેકવિધ વિકાસ કાર્યો તથા વિકાસકામોને મંજૂરી સ્થાયી સમિતિએ આપી હતી. ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા દ્વારા કોરોના ટેસ્ટીંગ અને કોરોના હોમ કોરન્ટાઇન દર્દીઓની સુશ્રુષા વધારવા આગ્રહ કરાયો હતો. આશરે રકમ રૂ ૧૫ કરોડ ૧૪ લાખ જેવી માતબર રકમના કામો મંજૂર કરાયા હતા. ટોરેન્ટ ગેસ પાઇપલાઇન પાથરવા અને રીપેરીંગ કામ માટે રકમ મંજૂર કરી છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે સમગ્ર શહેરમાં ૩૦૦ સફાઇ કામદારોને રોકી સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ બેઠકમાં જણાવેલ હતુ.

અગાઉ સંકલનની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, ચેરમેન સ્થાયી સમિતિ રાકેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષ નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર દ્વારા સંકલનના નિર્ણયો લેવાયા હતા. ત્યારબાદ આજરોજ મળેલ બેઠકમાં સદસ્યશ્રીઓ પુનીતભાઇ શર્મા, સંજયભાઇ કોરડીયા, કિરીટભાઇ ભીંભા, શિલ્પાબેન જોશી, આદ્યશકિતબેન મજમુદાર, હરેશભાઇ પરસાણા, સરલાબેન સોઢા સહિતના સદસ્યશ્રીઓની તથા નાયબ કમિ.શ્રી લીખીયા, સેક્રેટરીશ્રી ટોલીયા, આસી. કમિ.શ્રી વાજા તથા તમામ શાખાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સદસ્યશ્રીઓ તથા અધિકારીઓની હાજરી વચ્ચે આ બેઠકમાં સર્વાનુમતે નીચે અનુસારના વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવેલ છે.

આ કામોમાં મહાનગર વિસ્તારમાં કોરોનાની સેવા - સારવાર તથા સુશ્રુષા નગરજનોને સરળતાથી મળે તે માટે ટેસ્ટીંગ સુવિધા, કવોરન્ટાઇન દર્દીઓને સત્વરે સારવાર મળે તથા ડેઇલી ચેકઅપ થાય તેની વ્યવસ્થા કરવા સ્થાયી સમિતિએ આગ્રહ કરેલ છે. વોટર વર્કસ શાખા દ્વારા વાર્ષિક કામગીરી સુચારૂ રીતે હાથ ધરી શકાય તે માટે કોમન ટેન્ડરીંગ શરતોને આજરોજની બેઠકમાં મંજૂર કરેલ છે. મનપાના વોર્ડનં.૮માં રાજય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની સરકારશ્રીની ગ્રાંટમાંથી જૂદી જૂદી જગ્યાઓ પર વિકાસકામો હાથ ધરવા માટે રૂ૮૧,૫૨,૩૬૨ની રકમનો ખર્ચ મંજુર છે તેમજ રાજય સરકારશ્રીની ૧૪માં નાણાપંચના બીજા હપ્તાની ગ્રાંટમાંથી વોર્ડનં.૬માં શકિતનગર વિસ્તારમાં સીસીરોડની કામગીરી માટે રૂ૯,૯૭,૪૬૦ની રકમનો ખર્ચ મંજુર કરેલ છે. રાજય સરકારશ્રીની ૧૪માં નાણાપંચની બીજા હપ્તાની રકમમાંથી વોર્ડનં. ૧૫માંથી આંબેડકરનગરમાં શેડ કોમ્યુનીટી હોલ બનાવવા માટે રૂ૯,૯૦,૪૭૬ની રકમનો ખર્ચ મંજુર કરેલ છે.

(12:14 pm IST)