Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ અનંત યાત્રાએ...

પુ.ભારતીબાપુની વિદાયથી સાધુ સંતો અને સમગ્ર સમાજને મોટી ખોટ પડી છેઃ પુ.બાપુને નરેન્‍દ્રભાઇ, અમીતભાઇ, વિજયભાઇ સહીતના નેતાઓ અને સંતો દ્વારા શ્રધ્‍ધાંજલીઃ અકિલા પરિવાર સાથે દોઢ દાયકાનો નાતો તુટી પડયો

પૂ.ભારતીબાપુ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રના ગૃહમંત્રી અમીતભાઇ શાહ, મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ પુ.મોરારીબાપુ, પુ.ભાઇજી રમેશભાઇ ઓઝા, પુ.જેન્‍તીરામબાપા, પ્રમુખ સ્‍વામી મહારાજ શ્રી શ્રી રવિશંકર મહારાજ સહીત અનેક લોકો સાથે પુ.બાપુ આત્‍મીયતાથી જોડાયા હતા. જેની તસ્‍વીર ઝલકમાં જોવા મળે છે. (અહેવાલઃ વિનુ જોષી, ફાઇલ તસ્‍વીરઃમુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧રઃ જુનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમના સંસ્‍થાપક શ્રી અનંત વિભુષીત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અને જુના અખાડાના આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પુ. વિશ્વંભર ભારતીજી મહારાજ ગઇકાલે બ્રહ્મલીન થતા સાધુ સંતો અને સેવક સમુદાયમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે.

પુ.ભારતીબાપુ રાજકોટ અકિલા પરિવાર સાથે દોઢ દાયકાથી આત્‍મીયતાથી જોડાયેલ હતા. તેઓ અવાર નવાર ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને જયારે મળે ત્‍યારે દયના ઉમળકા સાથે ભેટી પડવા અને આજથી બે વર્ષ અગાઉ પુ.ભારતીબાપુના અથાગ પ્રયાસોથી મહા શિવરાત્રી મેળાને મીની કુંભનો દરજ્‍જો સરકાર દ્વારા આપવામાં આવેલ  ત્‍યારે ખુદ ભારતીબાપુ  આ મીની કુંભ મેળામાં પધારવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપવા આવેલ ત્‍યારે જુનાગઢ અકિલાના પ્રતિનિધિ વિનુ જોષી પણ ઉપસ્‍થિત રહેલ અને પુ. બાપુને કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા તથા નિમિષભાઇ ગણાત્રાએ આવકાર્યા હતા અને અકિલા કાર્યાલય ખાતે પુ. ભારતીબાપુએ એકાદ કલાક રોકાણ કર્યુ હતુ અને આ મહાશિવરાત્રીના પ્રથમ વખત યોજાનાર કાર્યક્રમોની જીણવટભરી વિગતો આપી હતી.

ગઇકાલે પુ.ભારતીબાપુના પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમ ખાતે એમબ્‍યુલન્‍સ દ્વારા લાવવામાં આવેલ અને તેમની અંતિમ ઇચ્‍છા મુજબ ગુરૂગાદી હોલ ખાતે સમાધી આપવામાં આવેલ પુ.બાપુની અંતિમવિધી દરમ્‍યાન ત્‍યાં ઉપસ્‍થિત રહી જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી અને પ્રેસ ફોટોગ્રાફર મુકેશભાઇ વાઘેલાએ જીણવટભર્યુ કવરેજ કર્યુ હતું. જેનો અક્ષરસ અહેવાલ.

પુ.ભારતીબાપુના પાર્થિવદેહ ને બપોરે ૧ર.૩૦ કલાકે ભારતી આશ્રમ ખાતે લાવવામાં આવતા આશ્રમના મુખ્‍ય પ્રવેશદ્વારથી ગુરૂગાદી હોલ સુધી માર્ગ પર ફુલો પાથરવામાં આવ્‍યા હતા અને બાદમાં બાપુના દેહને દર્શનાર્થે રાખવામાં આવેલ દરમ્‍યાન પુ.બાપુના શિષ્‍ય પુ. હરીહરાનંદ ભારતીજી પુ. કલ્‍યાણાનંદ ભારતીજી પુ. ઋષિભારતીજી અને પુ.મહાદેવ ભારતીજી સહીતના સંતોએ અંતિમવિધિ કરી હતી અને પુ. બાપુની અંતિમવિધિ દરમ્‍યાન જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા પુર્વડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા તેમજ સાધુ સંતોમાં મહેશગીરી બાપુ રાજબાપુ તેમજ સુખરામદાસ બાપુ, કિશનદાસબાપુ અખંડાનંદજી કુવાડવાના માતાજી ગુરૂજી સહીતના અસંખ્‍ય સાધુ સંતો અને સેવકગણની હાજરીમાં પુ.બાપુના પાર્થિવદેહને ર૪ કલાક સુધી દર્શનાર્થે રાખેલ અને બાદમાં  બપોરે ૩-૪પ કલાકે પુ. ભારતીબાપુને સમાધી આપવામાં આવી હતી.

પુ. ભારતીબાપુને સી.એમ. થી લઇ પી એમ. અને અમિતભાઇ શાહે શ્રધ્‍ધાંજલી આપી હતી.

નરેન્‍દ્રભાઇ મોદી

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી એ પુ. ભારતીબાપુને શ્રધ્‍ધાંજલી આપતા જણાવ્‍યું હતું કે ભારતીબાપુ  બ્રહ્મલીન થયાના સમાચાર મળતા ખુબ દુઃખ અનુભવ્‍યુ છે મારે પૂ. બાપુ સાથે આત્‍મીયતાનો નાતો હતો અત્‍યંત સરળ સ્‍વભાવના સૌના માર્ગદર્શક એવા પૂ. બાપુના નિધનથી સમાજને કયારેય ન  પુરાય તેવી ખોટ પડી છે. ત્‍યારે પરમાત્‍મા એ દિવ્‍યઆત્‍માને શાંતિ આપે એજ પ્રાર્થના.

અમિતભાઇ શાહ

ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઇ એ જણાવ્‍યું હતું કે પરમ પુજયશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયાના સમાચારથી અત્‍યંત દુઃખની લાગણી અનુભવુ છું.  સ્‍વ.શ્રી ભારતીબાપુએ વ્‍યસનમુકિત ક્ષેત્રે જગાવેલ રાષ્‍ટ્ર વ્‍યાપી આહલેક ચિર સ્‍મરણીય રહેશે. પરમકૃપાળુ પરમાત્‍મા સદ્‌્‌ગતના આત્‍માને શાંતિ અને અનુયાયીઓને આ વ્રજઘાત સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના સહ શ્રધ્‍ધાંજલી આપેલ.

વિજયભાઇ રૂપાણી

રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી એ પુ. બાપુને શ્રધ્‍ધાસુમન અર્પણ કરતા જણાવ્‍યું હતું કે પ.પૂ. શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી ભારતીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોક મગ્ન છું.

પરમકૃપાળુ પરમાત્‍મા એમના દિવ્‍ય આત્‍માને સદ્‌્‌ગતિ અર્પે અને ભકતગણને આ દુઃખ સહન કરવાની શકિત બક્ષે એજ પ્રાર્થના.

પૂ. ભારતીબાપુની વિદાયથી અમે છત્રછાયા ગુમાવી છેઃ પૂ.ઇન્‍દ્રભારતીબાપુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :..  જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને જુના અખાડાના આંતર રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પૂ. ઇન્‍દ્રભારતીબાપુએ જણાવ્‍યું હતું કે પૂ. ભારતીબાપુના નિધનથી અમે અમારી છત્રછાયા ગુમાવી છે. તેઓ સૂર્ય પ્રકાશભારતી પરિવારના વયોવૃધ્‍ધ સાધુ છેલ્લા ભારતીબાપુ હતા સદાય અમને માર્ગદર્શન આપતા હુ ૧૪ વર્ષનો હતો ત્‍યારથી ભારતીબાપુ સાથે જોડાણ હતુ અને અમને ધર્મ અને રાષ્‍ટ્ર સેવા અંગે ઘણુ માર્ગદર્શન આપ્‍યુ હતું અને ભારત અને ગુજરાતમાંથી લોકો વ્‍યસન મુકત થાય તે માટે પૂ. બાપુએ અભિયાન ચલાવી અનેકને વ્‍યસન મુકત બનાવ્‍યા હતાં.

પૂ. ભારતીબાપુની વિદાયથી સંત સમાજે એક સાચા માર્ગદર્શક ગુમાવ્‍યા છેઃ પૂ.જેન્‍તીરામબાપા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :..  ગઇકાલે પૂ. ભારતીબાપુ બ્રહ્મલીન થતા સાધુ સંતોમાં શોક છવાયો છે.

ત્‍યારે ધુનડા સતપુરણધામ આશ્રમના પૂ. જેન્‍તિરામબાપાએ શ્રધ્‍ધાંજલી આપતા જણાવ્‍યું હતું કે પૂ. બાપુ અતિ સરળ સ્‍વભાવના સંત અને સૌના માર્ગદર્શક હતા તેઓ ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે આવેલ ત્‍યારે અહીંની સેવાકીય પ્રવૃતિ નિહાળી ખુબ પ્રભાવિત થયા હતા આજે પૂ. બાપુની વિદાયથી સમગ્ર સંતસમાજને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે સદ્‌્‌ગુરૂ ભગવાન તેમના દિવ્‍ય આત્‍માને ચરણોમાં સ્‍થાન આપે એજ પ્રાર્થના જે ભગવાન.

(12:00 pm IST)