Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ખંભાળિયાઃ પરિણીત પ્રેમી- પ્રેમીકા વચ્ચે સાથે રહેવા બાબતનો ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યોઃ પોલીસે પ્રેમીનું ભૂત ઉતાર્યું

પ્રેમીકાને નવાપરા સ્થિત ફલેટમાં રહેવા જવાનું કહેતા, પ્રેમીકાએ ના કહી રાખવી હોઇ તો તારા ઘરે રાખ કહેતા પ્રેમી ઉશ્કેરાય જઇ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે પરણિત પ્રેમીને પિધેલી હાલતમાં ઝડપી પાડયો

ખંભાળિયા તા.૧૨: પ્રેમ તો આંધળો હોય છે કયારે પોલીસ સ્ટેશન પહોંચી જાય ખબર રહેતી નથી આવું જ કંઇક ખંભાળિયામાં પરણિત પ્રેમી અને પ્રેમીકા વચ્ચે સાથે રહેવા બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમીકાને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતા પ્રેમીકાએ પ્રેમી વિરૂદ્ધ ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સને પિધેલી હાલતમાં ઝડપી પાડી બરાબરનું ભૂત ઉતાર્યું હતું.

ગુનાની વિગત મુજબ વ્યાસ પરોઠા હાઉસ પાછળ પાણીના ટાંકા પાસે હર્ષદપુરમાં રહેતી પૂજા અશોક ગોંડલીયા (ઉ.વ.૨૪)ને વ્યાજવટાવ તેમજ લોકમેળાઓમાં ફરજ ફરકા સહિતનો ધંધો કરતા અને પોતાને સોના મઢેલ રાખતા નારૂ સીદા જામ રહે. ખંભાળિયા વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણીને નારૂ જામ સાથે દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હોય જે પ્રેમ સંબંધો લાગણી સભર વધુ બનતા આરોપી નારૂ જામે પ્રેમીકા પૂજાને નવાપરા વિસ્તારમા આવેલા ફલેટમાં રહેવા જવા માટેનું કહેતા પ્રેમીકાએ નવા ફલેટમાં નહીં બલ્કી મને રાખવી હોય તો તારા ઘરમાં રાખ કહેતા પ્રેમી નારૂનો પિતો જતા ઉશ્કેરાય જઇ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રેમીકાએ પરણિત પ્રેમી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના આધારે પોલીસે પ્રેમી નારૂ જામને પિધેલી હાલતમાં શહેરના બંગલાવાડી નજીકથી ઝડપી પાડી પોલીસ મથકે લઇ જઇ ભાઇગીરીનું ભૂત ઉતાર્યું હતું. જો કે પોલીસે પ્રથમ પ્રોહિબિશનનો કેસ નોંધ્યો હતો. જેમાં આરોપી બપોરે જામીનમાં છુટી ગયા બાદ ઉપરોકત મહિલા સંબધિત ગુનામાં પોલીસે ફરીથી ધરપકડ કરી લોકઅપમાં બેસાડી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, બે નંબરના ધંધા સાથે સંકળાયેલ શખ્સ પોલીસ સાથે જ ધરોબો ધરાવતો હોવાથી પોલીસ તેમનો વાળ વાંકો પણ નહી કરી  શકે તેવો ભ્રમ હોવાથી પોલીસે જ તેનો ભ્રમ ભાંગી નાખતા તમામ સીન સપાટા વિખાય ગયા હતા.

(4:27 pm IST)