Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

નરેન્દ્રભાઈના કરિશ્માના કારણે ૨૦૩૦ સુધી ભારત વિશ્વની શ્રેષ્ઠ ત્રણ મહાસતા પૈકી એકઃ રાજનાથસિંહ

રાફેલ એટલે રા-હુલ ફેલ, વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યુ છે, કોંગ્રેસને કોઈ વાયરસ લાગી ગયો છે, પણ ચોકીદાર પ્યોર, સ્યોર, કયોર છેઃ કેન્દ્રીય ગૃહ મંત્રી કચ્છમાં

ભુજ, તા.૧૨: લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિહે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંકયો હતો. નિયત સમય કરતાં બે કલાક મોડા પડેલા રાજનાથસિંહે પોતાની જોશીલી જબાન સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભરી દીધું હતું. માત્ર સરકાર નહીં પણ ભાજપ દેશ બનાવવા માટે કામ કરે છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વ્યાપારીઓ માટે પેન્શન, કિસાનો માટે પાંચ વર્ષ માટે વગર વ્યાજે ૧ લાખની લોન, આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ અનામતનો લાભ સહિતની અનેક યોજના ઘડી છે. ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે. કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. તેનું ઉદાહરણ કાશ્મીરમાં થી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે. જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત.

 

હવે ૨૦૧૯ માં કોઈ ભૂલ નહિ કરતા અને ફરીવાર નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપજો. દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે નરેન્દ્રભાઈએ શાસન ચલાવ્યું છે તે જોતાં ૨૦૩૦ સુધીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ ત્રણ પૈકીની એક મહાસતા હશે. રાફેલ નેકસટ જનરેશન સુરક્ષાની તૈયારી છે. રાફેલ એટલે રાહુલ ફેલ, એવું કહીને રાજનાથસિંહે કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈ ની કરાતી ટિપ્પણી ને વડાપ્રધાન નરેન્દ્રભાઈના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી. ચોકીદાર ચોર નહીં પણ ચોકીદાર પ્યોર સ્યોર અને કયોંર છે.

રાજયમંત્રી વાસણભાઈ આહીરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જ કચ્છનો સિંગાપોર જેવો વિકાસ થયો છે. કચ્છ સરહદી જિલ્લો છે ત્યારે રાષ્ટ્રપ્રેમી પક્ષ તરીકે લોકો ભાજપનું મહત્વ સમજે છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો ભાજપ જીતશે તેવો દાવો પણ રાજયમંત્રીશ્રી આહીરે કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ સાંસદ તરીકેના પોતાના પાંચ વર્ષના કાર્યકાળની કામગીરીનો હિસાબ આપ્યા હતો.

કંડલા પોર્ટના વિકાસ સાથે તેને આનુસંગિક રોડ રસ્તાની માળખાગત સુવિધાઓ, કંડલા એરપોર્ટ ઉપર વ્યાજબી દરથી વિમાની સેવા શરૂ કરાઈ, ગાંધીધામ થી છેક દક્ષિણભારત, પશ્ચિમ બંગાળ, ઉતરભારત સુધીની નવી ટ્રેન સેવાઓ, નવા કોચ સહિતની સુવિધાઓ શરૂ કરાઇ તે સિવાય કંડલા ગાંધીધામ કોમ્પ્લેકસના બાકી રહેલા કાર્યો પણ આગામી સમયગાળામાં પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામના પ્રથમ નાગરિક કાનજી ભર્યા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી અનિરુદ્ઘ દવે, ટ્રસ્ટી માવજીભાઈ સોરઠીયા, જે. પી. મહેશ્વરી, મધુભાઈ શાહ, ધવલ આચાર્ય, કાર્યક્રમનું સંચાલન મોમાયભા ગઢવીએ કર્યું હતું

(4:05 pm IST)