Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ભાવનગર મ્યુ.કોર્પો. દ્વારા મકાનવેરાના રીસર્વે બાદ યુઝર્સ ચાર્જના નામે નવો ટેકસ ઠોકી દીધો!!

સૌરાષ્ટ્ર ચેમ્બરે મ્યુ.કમિશ્નરને લખ્યો પત્ર, ચૂંટણી સમયેનો વિવાદ મુશ્કેલી સર્જી શકે છેઃ મેયરે રાજકીય છાપ જવાબ આપ્યો હાલ આચારસંહિતા નડે. ચૂંટણી પછી વિચારીશું વેપારી-લોકોમાં રોષ ભભુકયો

ભાવનગર તા.૧૨: શહેરના ૧૭ વોર્ડમાં પીરછલ્લા વોર્ડમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ઘરવેરાની ફરી આકારણી કરવામાં આવી અને ચકાસ્યા વગર તેના બીલો આપવામાં આવ્યા. આ વિસ્તારમાં બઝારો અને નાના-મોટા વેપારીઓ વિશેષતઃ છે. શહેરના હાર્દસમો આ પીરછલ્લા વોર્ડ મેયરશ્રી મનહરભાઇ મોરીનો છે. યુઝર્સ ચાર્જના નામે નવો કર પાછલી તારીખથી અપાતા વેપારીઓ અને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી સુનિલભાઇ વડોદરીયાએ કમિશ્નરશ્રી ગાંધીને વિસ્તૃત પત્ર લખી જે વિવાદ અને અન્યાય થયો છે તે અંગે તાત્કાલીક ઘટતું કરવા જણાવાયું છે.

રી-સર્વેની પ્રક્રિયા સમગ્ર શહેરમાં એક સાથે થવી જોઇએ. તથા લોકશાહી પ્રણાલી મુજબ તે વસુલતા પહેલા લોકોના વાંધા, સૂચનો લેવા જોઇએ તેનો અભ્યાસ કરીને તેમાં જરૂરી જણાયા પછી તેનો અમલ કરવો જોઇએ.

નવાઇની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં માત્ર ભાવનગર મહાનગર પાલિકાએ જ યુઝર્સ ચાર્જના નામનો નવો વેરો લેવાનો શરૂ કર્યો છે. બીજી બાબત એ પણ છે કે શહેરના ચિત્ર વિસ્તારમાં સફાઇના નામે મીંડુ છે ત્યાં પણ વેરો લેવાય છે. આ બાબતે લોકોમાં આશ્ચર્ય અને રોષ વ્યાપ્યો છે. મેયરશ્રી સમક્ષ રજુઆત થતા 'રાજકીય છાપ' જવાબ મળ્યો છે કે વેપારીઓની મુશ્કેલી અંગે પુનઃ વિચાર કરીશું. ચૂંટણીની આચાર સંહિતાને કારણે આ પ્રશ્ને હાલ તુરત કંઇ થઇ શકે તેમ નથી.

એપ્રિલ માસ મ્યુ. ટેક્ષ ભરવાનો મહિનો હોય અને નવા આકારણી પામેલા બીલોમાં પાછલું બાકી બતાવતા ગ્રાહકને રીબેટનો લાભ ન મળે.

ચૂંટણીના સમયે આ સમસ્યા-વિવાદ ઉભો થયો છે. અને લોકો વેપારીઓનો રોષ વધુ ન ફેલાય તે સમયસુચકતા વાપરવી જરૂરી છે. લોકોના પ્રશ્નો હલ કરવાની તંત્રની ફરજ છે. પરંતુ આ દિશામાં કોઇ પ્રયત્નો નથી થયા. લોકો મજબુર બની જોઇ રહ્યા છે.

(10:01 am IST)