Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કચ્છનો વિનાશકારી ભૂકંપ આશિર્વાદરૂપ કેમ બન્યો ? કુ. હેલી કતિરાને પી.એચડી.ની પદવી

કચ્છની રજેરજનું દર્શન કરાવતુ આલેખન : અદ્ભૂત સર્જનાત્મકતાનો પરિચય : આંસુ, અફસોસ, નિરાશા અને નિઃસાસા, ભીની ઘટનાઓની કલાત્મક સમીક્ષા : ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપ બાદ હમણા સુધીમાં થયેલો કચ્છનો વિકાસ અને તેના ઉપલક્ષ્યમાં વહીવટી તંત્રે અને નેતાગણે ભજવેલી ભૂમિકા : એક સમીક્ષાલક્ષી અભ્યાસ

રાજકોટ : રાજકોટના લબ્ધપ્રતિષ્ઠ કતિરા પરિવારના સુપુત્રી કુ. હેલી કિરણભાઇએ પોલિટિકલ સાયન્સ સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સ દ્વારા કચ્છના ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપ, તેણે સર્જેલી અભૂતપૂર્વ તારાજી, કચ્છની અબાલવૃધ્ધ પ્રજાએ વેઠેલી હૃદયદ્રાવક યાતનાઓ, સરકારી તંત્ર તથા બિનસરકારી સમાજસેવી સંસ્થાઓએ ભાંગીને ભૂક્કો થયેલી કચ્છની પુરાણ પ્રસિધ્ધ ધરાને ઝડપભેર પુનઃ બેઠી કરવા આદરેલો જંગ અને જોતજોતામાં સમગ્ર કચ્છને કઇ રીતે નવા કલેવર સાથે રૂમઝૂમતું કરી દેવાયું તેની માહિતીબધ્ધ તેમજ સંવેદનાભીની સમીક્ષાના વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીની પી.એચડી. (ડોકટરેટ)ની પદવી હાંસલ કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

ઉપરોકત શૈક્ષણિક સંકુલના આસી. પ્રોફેસર ડો. રંજના સી. ધોળકિયાના વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ મોંઘેરી પદવી (ડિગ્રી) પ્રાપ્ત કરનાર કુ. હેલી કિરણભાઇ કતિરાને પરિવારજનોએ, રઘુવંશી સમાજે અને દેશ-વિદેશના બહોળા ચાહક વર્ગે અભિનંદન તથા હવે પછીના પ્રગતિ પ્રત્યેના આગે પ્રયાણમાં પ્રત્યેક પગલે સફળતાના સાથિયા પૂરાતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે.

તા. ૨૬-૧-૨૦૦૧ શુક્રવારનો દિવસ 'પ્રજાસત્તાક દિન' હતો, જે કમનશીબે આખી સદીનો 'કાળો દિન' બન્યો હતો.

આ અતિ ગોઝારા ધરતીકંપના તાંડવે ૧૮,૩૫૦ નરનારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ૧,૦૨,૨૮૯ લોકોને લોહીલોહાણ કર્યા હતા. ઇજાગ્રસ્ત લોકોનો બિનસત્તાવાર આંકડો તો ચાર લાખ સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ ભૂકંપ ૬.૯ રીકટર સ્કેલનો હતો અને તેણે વિકરાળ સ્વરૂપમાં ૧૨૦ સેકન્ડ સુધી કચ્છની ધરાને ધમરોળી હતી, એને લીધે ભૂજ, અંજાર, ભચાઉ તથા રાપર શહેર અને સેંકડો ગામડા કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. સમગ્ર કચ્છમાં અભૂતપૂર્વ સન્નાટો વ્યાપ્યો હતો.

અમેરિકા અને ચીનમાં આ ભૂકંપની તીવ્રતા ૭.૯ રીકટર સ્કેલની નોંધાઇ હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા ૨૧,૨૫૮ જેટલી નોંધાઇ હતી. સવા લાખ મકાનો ધરાશાઇ થયા હતા. નુકસાનીનો આંકડો ૧૦૦૦ કરોડ જેટલો નોંધાયો હતો. મંદિરો - મસ્જીદો જમીનદોસ્ત બનીને કાટમાળમાં ફેરવાયા હતા. એમની ધજાઓ - શિલાલેખો કાટમાળના ઢગલામાં હતાનહતા બન્યા હતા. આમાં વિખ્યાત આશાપુરા મંદિર અને જૈન મંદિરનો સમાવેશ થયો હતો.

પ્રજાસત્તાક દિને કચ્છમાં વિનાશક ભૂકંપના અહેવાલો વાંચ્યા અને કચ્છથી અભ્યાસ માટે અમદાવાદ આવેલ સહસંગાથી - વિદ્યાર્થીની પાસેથી આ ભયાનક ભૂકંપની વિનાશકતા તેમજ આંસુ, અફસોસ, નિરાશા, નિઃસાસાથી નીતરતી હૃદયદ્રાવક ઘટનાઓનો ઇતિહાસ જાણ્યો ત્યારથી જ એનો સર્વગ્રાહી અભ્યાસ કરીને એને પી.એચડી.નો વિષય બનાવવાનો ખ્યાલ હૃદય-મનમાં ઉપસ્યો હોવાનું કુ. હેલી કતિરાએ દર્શાવ્યું છે, જે એમનામાં મૂળભૂત રીતે જન્મેલા સ્નેહભાવ, કારૂણ્યભાવ અને સર્જનાત્મકતાના ગુણોનું પ્રતિપાદન કર્યા વિના રહેતું નથી.

કુલ સાત પ્રકરણમાં ૨૦૦૧ના ભૂકંપની પશ્ચાતભૂ, માહિતી અને વૈવિધ્યબધ્ધ અવલોન, પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ સુધી વિસ્તરેલ ભૂકંપની મહત્વની નોંધ, પાયાની પ્રજાકીય આવશ્યકતા, જેમકે પાણી, વીજળી, ખોરાક, વ્યાપાર - ઉદ્યોગ વગેરેને પારાવાર નુકસાન અને તેને લગતા પુનરૂત્થાન - પુનર્વસવાટ અર્થે માત્ર એક મહિનાના ટુંકાગાળામાં સરકાર અને વહિવટી તંત્રે તેમજ નેતાગણે ઉપલબ્ધ કરાવેલી જણસો તેમજ આર્થિક સહાયને સાંકળતી હક્કિતબધ્ધ પૂર્ણતયા સમીક્ષા કરીને કુ. હેલી કતિરાએ પી.એચડી. માટે પોતે પસંદ કરેલા વિષયને સારી પેઠે ન્યાય આપ્યો છે. એટલું જ નહિ પણ પોતાની આગવી સૂઝબૂઝ તેમજ સર્જકતાના વૈભવ વડે એને વિશેષતા બક્ષી છે.

કચ્છની ધરતી અને એનો રણપ્રદેશ કઇ કઇ રીતે અનોખા અને 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'ની ઉમદા ભાત પાડે તેવા છે તે દર્શાવતું નખશીખ ચિત્ર (પ્રોફાઇલ) એમની સમીક્ષામાં એક 'ઓજસ્વી દ્રષ્ટા' તરીકે અને 'કલાત્મકતા પ્રેમી' તરીકે તેમણે નીપજાવી જાણ્યું છે.

કચ્છમાં ચોમાસાની મોસમ પૂર્વે પાણીનાં વહેણ, ખાબોચિયા, તળાવ - સરોવરના જળ પૂર્ણપણે સૂકાઇ જતાં એની ખારાશ હિમસમી શ્વેત બને છે અને સંમોહકતા સર્જે છે એવું દર્શન પણ કુ. હેલીએ તેમની સમીક્ષામાં કરાવ્યું છે!

કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરો ઝડપી વિકાસ પામતા ગુજરાત રાજ્યને અને આખા દેશને આર્થિક અને ઔદ્યોગિક સમૃધ્ધિનું સૌભાગ્ય બક્ષે છે એમ કહીને કચ્છના વિકાસને કરમુકત કરવાના સરકારના પગલાને સુચારૃં ઠેરવ્યું છે. મહત્વની અને મહિમાવંતી તસ્વીરો વડે તેમણે આ વિષયના આલેખનને સચોટતા બક્ષવાની ચાતુરીનો ઉપયોગ પણ કર્યો છે.

વિનાશકારી ભૂકંપને કારણે રોળાઇટોળાઇ ગયેલા કચ્છ માટે એને ઝડપભેર ફરી બેઠું કરવાના અને એના પુનરૂત્થાન અર્થેના સરકારી અને વહિવટી પગલા તેમજ કુદરતી આફતની સામે સર્જનહારને સાથે રાખીને બાથ ભીડવાનો મિજાજ કચ્છ માટે કેમ આશિર્વાદરૂપ બન્યો તે દર્શાવવાનું સામર્થ્ય કુ. હેલી કતિરાએ બતાવી આપ્યું છે.

હેલી કતિરા

મો. ૯૩૭૭૧ ૨૨૮૮૬

(3:45 pm IST)