Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભેસાણ યાર્ડનો વેપારી જયસુખ રફાળીયા રૂ. ૪૯.૪૬ લાખનું ફુલેકું ફેરવીને ફરાર

ખેડુતો પાસેથી જીરૂ ખરીદી નાણાં આપ્યા નહિં

જુનાગઢ તા. ૧રઃ ભેસાણ યાર્ડનો વેપારી જયસુખ રફાળીયા નામનો પટેલ શખ્સ ખેડુતોનું જીરૂ ખરીદી બાદમાં નાણાં નહિં આપી રૂ. ૪૯.૪૬ લાખનું ફુલેકુ ફેરવીને ફરાર થઇ જતાં વેપારી આલમ અને ખેડુતોમાં હલચલ મચી ગઇ છે.આ શખ્સ સામે પોલીસ ફરિયાદ લઇ તેની શોધખોળ હાથ ધરી છે.વિસાવદર ખાતે રહેતો જયસુખ ફુલાભાઇ રફાળીયા નામનો પટેલ ઇસમ ભેસાણમાં માર્કેટીંગ યાર્ડમાં પાટીદાર ટ્રેડીંગ કંપની નામની વેપારી પેઢી ધરાવે છે.આ શખ્સે વિસાવદર તાલુકાના મોટા કોટડાનાં ચેતન ધનસુખભાઇ નળીયાધરા-પટેલ અને અન્ય પાસેથી જતીન સોજીત્રા નામના ઇસમ મારફતે જીરૂની મોટા પાયે ખરીદી કરી હતી. જીરૂ ખરીદ્યા બાદ આપવાનાં થતાં રૂ. ૪૯ લાખ ૪૬ હજાર ૮૦૦ બાદમાં ચુકવવા જયસુખ રફાળીયાએ ખેડુતોને વાયદા કર્યા હતા અને નાણા નહિં ચુકવીને નાસી ગયો હતો.પરંતુ પેઢી યેનકેન જયસુખ રફાળીયાએ જીરૂ ખરીદીની રૂ. ૪૯.૪૬ લાખની રકમ નહિં ચુકવતા ખેડુતો તેમજ કમિશન એજન્ટો વગેરે ગઇકાલે પોલીસ સ્ટેશન પર ધસી ગયા હતા.પોલીસે પાટીદાર ટ્રેડીંગ કંપનીનાં જયસુખ રફાળીયા વિરૂધ્ધ કલમ ૪૦૬ અને ૪ર૦ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.ચેતન નળિયાધરાની ફરિયાદનાં આધારે હાલ પોલીસે જતીન સોજીત્રા નામના અટકાયત કરી છે. વિશેષ તપાસ પી.એસ.આઇ. એ. એલ. બારસીયા ચલાવી રહ્યા છે.

(3:40 pm IST)