Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

જસદણ પાલિકામાં અંધેરી નગરી ગંડુરાજા જેવો વહિવર થતો હોવાની સભ્યોની રાવ

ચીફ ઓફિસર એક વર્ષ પહેલા મંજુર થઇ ગયેલા કામો પણ કરતા ન હોવાની ઉચ્ચ કક્ષાએ ફરીયાદઃ આંદોલનની ચીમકી

આટકોટ તા.૧૨: જસદણ પાલિકાના વોર્ડ નં.૬ના ચાર સભ્યોએ પોતાના વિસ્તારમાં મંજુર થયેલા કામો ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવતા ન હોવાના આક્ષેપો સાથે લેખીત ફરીયાદ કેબીનેટ મંત્રીને અનેજસદણ પ્રાંત અધિકારીને કરતા જસદણ પાલિકાનું રાજકારણ ફરી ગરમાયુ છે.

આ અંગે જસદણ પાલિકાના વોર્ડ નં.-૬ના ચુંટાયેલા સતાધારી ભાજપનાં સભ્યો રાજુભાઇ ધાધલ, સોનલબેન વસાણી, વર્ષાબેન સખીયા અને મીઠાભાઇ છાયાણીએ એક સંયુકત આવેદન પત્રમાં જણાવ્યુ છે કે અમારા વોર્ડમાં સરકારની જુદી-જુદી યોજનાઓ તેમજ સાંસદની ગ્રાંટમાંથી સામાન્ય સભામાં મંજુર થયેલા કામો ચીફ ઓફિસર કરતા નથી આ કામ અંગે અમોએ અવાર-નવાર ચીફ ઓફિસરને રજુઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહિ કરી નથી.

ગત તા.૧૦-૧-૧૮ની સામાન્ય સભામાં પૂષ્કરધામ સોસાયટીની શેરી નં.૧ અને ૨માં રોડનું કામ મંજુર થયુ હતુ તેને એક વર્ષ કરતા વધારે સમય થયો હોવા છતાં આજદીન સુધી કામ થયુ નથી વડલા વાડી વાળા વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન માટે સાંસદની ગ્રાંટમાંથી ૫ લાખ ફાળવી દીધા હોવા છતા પાણીની પાઇપ લાઇન હજુ સુધી નાંખવામાં આવી નથી.

આ અંગે સભ્યોએ પાલિકાના એન્જીનીયર ડાંગર સામે પણ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે તેમણે જો યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરી હોતતો આજે આ વિસ્તારના લોકો પાણી વગર ન રહેતા હોત.

વોર્ડ નં.૬માં પાણી વિતરણ થતુ હોય ત્યારે અમુક વિસ્તારમાં ફોર્સ ઓછો આવતો હોય એ અંગે પણ ધ્યાન દોર્યુ હોવા છતા યોગ્ય કાર્યવાહી થતી નથી.

આ ઉપરાંત ગંગાભુવનના સાર્વજનિક પ્લોટની ફરતે દિવાલ, ખોડીયાર મંદિર વાળી શેરીમાં બ્લોક રોડનું કામ સહિત બીજા વિકાસના કામો કરવામાં ઓરમાયુ વર્તન દાખવતા હોવાની લેખીત ફરીયાદથી પાલિકાનું રાજકારણ ફરી ગરમાયુ છે.

રાજુભાઇ ધાધલે જણાવ્યુ છે કે હાલ જસદણ પાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહિવટ ચાલતો હોય આ અંગે યોગ્ય કાર્યવાહિ કરવામાં નહિ આવે તો આગામી ૨૧ તારીખના ચીફ ઓફિસર સામે વિસ્તારના લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે હાલ જસદણ પાલિકામાં ભાજપનુ જ શાશન છે ત્યારે ભાજપનાંજ સભ્યો દ્વારા કામ થતા ન હોવાની ફરીયાદ કરતા જસદણ પાલિકામાં ફરી જુથવાદ સામે આવ્યો છે.(૧૭.૩)

 

(11:56 am IST)