Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કોટડાસાંગાણીના માણેકવાડાના RTI એકટીવિસ્ટની હત્યામાં સરપંચ સહિત ૪ શખ્સો પોલીસના સકંજામાં

આરોપીઓને ઝડપી લઈ કડક સજા સહિતની માંગણીઓ સ્વીકારાતા ગઈકાલે રાત્રે રાજકોટ સીવીલ હોસ્પીટલમાંથી હત્યાનો ભોગ બનનાર નાનજીભાઈ સોંદરવાની પરિવારજનોએ લાશ સ્વીકારી'તી

રાજકોટ, તા. ૧૨ :. કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના આરટીઆઈ એકટીવીસ્ટ નાનજીભાઈ મેઘાભાઈ સોંદરવા (ઉ.વ. ૩૫)ની હત્યામાં સામેલ સરપંચ સહિત ૪ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

 

પ્રાપ્ત વિગતો મુજબ માણેકવાડા ગામના આરટીઆઈ એકટીવીસ્ટ નાનજીભાઈ મેઘાભાઈ સોંદરવા જાતે દલિતની ગત તા. ૯ના રાત્રીના કોટડાસાંગાણી અને સોળીયા ગામ વચ્ચેના રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે લાશને પી.એમ. માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડી હતી. દરમિયાન રાજકોટ હોસ્પીટલે ઉમટેલ દલિત સમાજના આગેવાનોએ આ બનાવમાં હત્યાનો ગુન્હો દાખલ કરવાની માંગણી કરી હતી. જો કે ફોરેન્સીક પીએમમાં તબીબોએ હત્યાની શંકા વ્યકત કરતા રૂરલ પોલીસે સરપંચ મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ ચંદુભા તથા જગાભાઈ ભરવાડ સહિત ૬ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો. જો કે મૃતકના પરિવારજનોએ આરોપીઓ ન પકડાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ગઈકાલે રાત્રે રૂરલ એસપી અંતરીપ સુદ તથા ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓએ દલિત સમાજના આગેવાનો તથા મૃતકના પરિવારજનોને મળી આરોપીઓને તૂર્ત જ ઝડપી લઈ કડક સજા કરાશે તેવી ખાત્રી આપતા પરિવારજનોએ નાનજીભાઈ સોંદરવાની લાશ સ્વીકારી લીધી હતી.

દરમિયાન હત્યામાં સામેલ સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા સહિત ૪ શખ્સોને ઝડપી લેવાયા છે અને અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરાય છે. પકડાયેલ સરપંચ સહિતના શખ્સોની પૂછતાછ હાથ ધરાઈ છે તેમ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યુ હતું.(૨-૧૧)

(3:34 pm IST)