Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

બેટી બચાવો અભિયાનને સાર્થક બનાવીએઃ ઇશ્વરસિંહ પટેલ

બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે મહિલા સંમેલન યોજાયુઃ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરાઇ

બોટાદ તા. ૧૨ : બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અન્વયે રાજયમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતુ.

આ મહિલા સંમેલનમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના વિકાસમાં મહિલાઓની સહભાગીદારીતા વધે તે માટે રાજય સરકાર કાર્યશીલ છે, ત્યારે આપણે સૌએ પણ દિકરીઓને બચાવી, દિકરીઓને ભણાવવા સંકલ્પબધ્ધ બની બેટી બચાવો અભિયાનને સાર્થક કરવું પડશે.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળ રાજય સરકારે કરેલી મહિલા કલ્યાણકારી પહેલ અને વિવિધ યોજનાકિય લાભોના પરિણામે મહિલા સુરક્ષા અને મહિલા સશકિતકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

 આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરી મહિલા સંમેલનનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતુ કે, રાજય સરકારની લોક કલ્યાણકારી મહિલાલક્ષી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે અને મહિલાઓ આવી યોજના બાબતે જાગૃત બની તેનો લાભ મેળવે તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે મીશન મંગલમ યોજના અંતર્ગત સ્વ સહાય જુથની બહેનોને રીવોલ્વીગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ સહાયના ચેક, માતા યશોદા એવોર્ડ, મફત પ્લોટની સનદ વિતરણ, ઉજ્જવલા કિટ વિતરણ, આયુષ મહિલા મેડીકલ ઓફિસરશ્રીને કાયા કલ્પ એવોર્ડ, મમતા કાર્ડ તેમજ મહિલા હેલ્થ વર્કરને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પશુપાલન, જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી, રોજગાર અને માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રદર્શન સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિત બહેનોએ મુલાકાત લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ હતી. આ તકે વિવિધ વિભાગો દ્વારા તેમની મહિલાલક્ષી યોજનાઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોની સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોએ બેટી બચાવવાના શપથ લીધા હતા.

કુંડળધામ ખાતે યોજાયેલ આ મહિલા સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સજ્જનસિંહ પરમાર, આસીસ્ટન્ટ કલેકટર ડો. જીન્સી વિલીયમ્સ, અધિક નિવાસી કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, બરવાળા નગરપાલિકાના પ્રમુખશ્રી મીનાબેન રાણપુરા, બોટાદ નગરપાલિકાના પ્રમુખશ્રી બીનાબેન મહેતા, અગ્રણીઓ સર્વશ્રી કાળુભાઈ ડાભી, મહાસુખભાઈ કણઝરીયા, રેખાબેન ડુંગરાણી, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાળીયા, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાની બહેનો ઉપસ્થિત રહી હતી.(૨૧.૩)

(9:32 am IST)