Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ચોમાસુ લંબાવાને કારણે કેસર કેરી બજારમાં મોડી આવશેઃ મેના મધ્ય સુધી રાહ જોવી પડશે

કેરીમાં મોર આવવાનો ગાળો ૪૫ થી ૫૦ દિવસનો હોય છે આ વખતે ૭૦ દિવસ લંબાયો

અમદાવાદ,તા.૧૨: કેસર કેરીના રસિકોએ પોતાના મનગમતા ફળના સ્વાદનો આનંદ માણવા માટે આ વર્ષે થોડી વધારે રાહ જોવી પડશે. ગયા વર્ષે ચોમાસુ લંબાતા આ વર્ષે બે મહિના મોડા કેરીનો પાક આવશે તેવી શકયતા છે.

તાપમાનમાં અચાનક વધારો થશે તો પાકને મોટાપાયે નુકસાન થશે તેવો ડર કેરી ઉગાડતા ખેડૂતોને ફરીથી સતાવી રહ્યો છે. તેમ છતાં, મે મહિનાના મધ્યમાં તેઓ ફળોના રાજાને માર્કેટમાં લઈ જશે તેવી આશા સેવી રહ્યા છે. જો કે, કેટલાક ખેતરોમાં હવે છેક આંબા પણ મોર આવવાની શરૂઆત થઈ છે.

ગીર સોમનાથ, જુનાગઢ તેમજ અમરેલી સૌરાષ્ટ્રના એવા ત્રણ મુખ્ય જિલ્લાઓ છે, જે કેસર કેરીનું સૌથી વધારે ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અંકુર જોવા મળે છે અને ફેબ્રુઆરીના મધ્યમાં તો બજારમાં અથાણા માટેની કાચી કેરી વેચાવા લાગે છે.

તાલાલાના જામવાળા ગીર વિસ્તારમાં કેરી પકવતા જયેશ હિરપરા નામના ખેડૂતે કહ્યું કે, 'સામાન્ય રીતે કેરી માટે મોર આવવાનો સમયગાળો ૪૫દ્મક ૫૦ દિવસનો હોય છે. પરંતુ આ વખતે ૭૦ દિવસ સુધી લંબાયો છે. કેટલાક ખેડૂતોએ ગયા વર્ષની એન્થ્રાકોનોઝ બીમારીને (ઝાડને થતી બીમારી) આ વર્ષે વિલંબ થવા માટે જવાબદાર ગણાવી છે. અંકુર ફુટે ત્યારે તેને ઓછા તાપમાનની જરૂર પડે છે અને જો તાપમાનમાં અચાનકથી જ વધારો થાય તો તે પાકને ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે'.તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી (JAU)ના ફ્રુટ સાયન્સના હેન્ડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડી.કે. વારુએ કહ્યું કે, લંબાયેલા ચોમાસાના કારણે સમગ્ર પાક પદ્ઘતિમાં મોડું થયું છે. આ સીઝનમાં કેરી લગભગ ૪૫ દિવસ મોડી પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલનું તાપમાન કેરીના અંકુર ફુટવા માટે યોગ્ય છે પરંતુ જો દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે વધ-દ્યટ થશે તો ફળ પર અસર કરશે. તેમણે તેમ પણ કહ્યું કે, જો એક અઠવાડિયું પણ વાદળછાયું વાતાવરણ રહ્યું તો તે ફળોમાં ફૂગના રોગનું કારણ બનશે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા હુડલી ગામમાં કેરીનો બાગ ધરાવતા ઉક્કા ભાટ્ટીએ કહ્યું કે, પરાગ રજ માટે શિયાળો એકદમ યોગ્ય ઋતુ છે. 'આ વર્ષે પાકમાં મોડું થતાં ઉત્પાદન ઓછું થશે તેવો અમને ભય છે. દરેક સીઝનમાં ગીર વિસ્તારના ત્રણ ક્ષેત્રોમાં કેરીનું ઉત્પાદન લગભગ ૨ લાખ મેટ્રિક ટન જેટલું થાય છે'તેમ તેમણે ઉમેર્યું.

(11:32 am IST)