Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ગિરનાર શિવરાત્રી કુંભમેળાનું ૨૭મીએ ધ્વજારોહણ

ગણપતસિંહ વસાવા, વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રી મેળાના આયોજનને અંતિમ ઓપ આપવા મિટીંગ યોજાઇ

જૂનાગઢ તા.૧૨: જૂનાગઢના ભવનાથ તળેટીના મહાશિવરાત્રીના મેળાને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભમેળા ૨૦૧૯ તરીકે ઉજવવામાં આવશે. જૂનાગઢના શિવરાત્રીના મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશો માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરી બેન દવેએ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં તારીખ ૨૬ ફેબ્રુઆરી થી તારીખ ૪ માર્ચ સુધી યોજાનારા વિશિષ્ટ ગરિમાપૂર્ણ તેમજ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી.

મહાશિવરાત્રીનો મેળો તારીખ ૨૭ માર્ચ સવારે ૯ કલાકે ધ્વજારોહણ સાથે શરૂ થશે પરંતુ એ પૂર્વે તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ ૩ કલાકેથી જૂનાગઢના રાજમાર્ગો પર સંત નગર યાત્રા શરૂ થશે. ભૂતનાથ થી ભવનાથ સુધીની યાત્રામાં સંતો મહંતો તેમજ અગ્રણીઓ આ ઉપરાંત ઋષિકુમારો અને સેવાભાવી નાગરિકો અને યાત્રાળુઓ જોડાશે.

તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ બાદ ભારતી આશ્રમ ખાતે ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલિંગના દર્શનનો પ્રારંભ થશે આ ઉપરાંત ભવનાથમાં આવેલા ભવનાથ તરીકે નામકરણ કરાશે. મેળા દરમિયાન રોજ સાંજે ગિરનાર અને શિવરાત્રીના મેળાના મહત્વને રજૂ કરતો આકર્ષક લેસર શો પ્રદર્શિત કરાશે. તા. ૧-૨-૩ માર્ચના રોજ બપોરે ૩ થી ૭ ધર્મ સભા તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છ. સૌપ્રથમ સ્થાનિક કલાકારો દ્વારા અને બીજા દિવસે રાજ્યકક્ષાના કલાકારો તેમજ ત્રીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના કલાકારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ભવનાથમાં અને જૂનાગઢના માર્ગો પર ડમરૂ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા. ૪ માર્ચના રોજ ભવ્ય રીતે રવેડી નીકળશે જેમાં હાથી, ઘોડા તેમજ ધર્મ ધ્વજાઓ, પુષ્પવર્ષા, બેન્ડવાજા, અખાડાના સંતો સાથે શાહી સ્નાનનો કાર્યક્રમ થશે અને સમગ્ર કાર્યક્રમ-યાત્રા લાખો યાત્રિકો શાંતિપૂર્ણ રીતે જોઇ શકે અને તેના દર્શન કરી શકે તે માટે મહાનગરપાીલકા, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજન કરાશે.

પ્રકૃતિ ધામ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે.

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના મેળાના વિશિષ્ટ આયોજન માટેની એક બેઠક પણ યોજવામાં આવી હતી ત્યારબાદ સ્થાનિક કક્ષાના અધિકારીઓ અને મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને પણ મિટીંગ કરી સમગ્ર મેળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને મેળામાં સુવિધાઓ વધારવામાં આવશે તે માટે તેૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. આજે તારીખ ૨૭ ફેબ્રુઆરી થી ૪ માર્ચ  સુધીના વિવિધ કાર્યક્રમો અંગેની તેયારી પૂર્ણ કરવામાં આવી છે. મેળામાં સ્વચ્છતાને ખાસ અગ્રતા આપવામાં આવશે. ભવનાથ અને ઝોનમાં વહેંચી તેના પર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુપરવિજન કરવામાં આવશે. ભવનાથમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવશે અને દેશભરના સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવશે. મિટીંગ પૂર્વે યાત્રાધામ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભવનાથ શિવરાત્રી મેળા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મિટીંગમાં શ્રી ભારતીબાપુ, ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, સદાનંદજી મહારાજ, શ્રી વિમલ ઉપાધ્યાય, અગ્રણી શ્રી શૈલેષભાઇ દવે, શ્રી પ્રદિપભાઇ ખીમાણી, શ્રી મહેન્દ્રભાઇ મશરૂ કલેકટર શ્રી સૌરભ પારધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૧.૭)

(11:29 am IST)