Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

હરિયાણાના ખૂંખાર ગેંગસ્ટરોએ કચ્છમાં લૂંટફાટની યોજના ઘડી'તીઃ દિલ્હી એમેઝોનમાં લૂંટ કરી'તી

 ભુજ, તા.૧૧: પૂર્વ કચ્છ પોલીસે ૩૪ લાખ રૂ.ની બેંક વેન લૂંટ કેસના બે લૂંટારુઓને ઝડપી પાડ્યા બાદ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આજે પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડે ગાંધીધામમાં પત્રકાર પરિષદ યોજીને હરિયાણાની ખુંખાર ગેગ વિશે ચોંકાવનારી માહીતી આપી હતી.

પૂર્વ કચ્છના એસઓજી પીઆઇ જે. પી. જાડેજા અને એલસીબી ન પીએસઆઈ એમ. એસ. રાણા સહિતની પોલીસ ટીમે લૂંટારું ગેંગના ફાયરિંગનો વળતો જવાબ આપીને બે ગેગસ્ટરો ધર્મેન્દ્ર ચાંદરામ જાટ, રાહુલ મુલ્કરાજ વીજને ઝડપ્યા બાદ હરિયાણાના આ ગુનેગારો વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જોકે, આ ગેંગના અન્ય બે આરોપીઓ રવિન્દ્ર દયાનંદ જાટ અને રીંકુ ધાનક બન્ને ને ઝડપવાના બાકી છે. ડીએસપી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા પ્રમાણે હરિયાણા ના આ ગેંગસ્ટરોએ દિલ્હી થી અર્ટિગા કારની લૂંટ ચલાવી હતી અને એ લૂંટેલી કારમાં જ તેઓ અંજાર આવ્યા હતા અને અહીં રીંકુ ની મદદ થી લૂંટ નો પ્લાન બનાવ્યો હતો. આદિપુર વિનય સિનેમા પાસે એકસીસ બેંકના એટીએમ માં રૂ.નાખવા આવેલી વેનમાંથી ૩૪ લાખ રૂાની લૂંટ ચલાવાઈ ત્યારે આ ચારેય ગુનેગારોએ આ ચોરીની અર્ટિગા કાર વાપરી હતી. આ આરોપીઓએ દિલ્હીમાં એમેઝોન કંપનીની ઓફિસમાંથી ફાયરિંગ કરીને ૬ લાખ ૫૫ હજારની લૂંટ ચલાવી હતી. આ ચારેય આરોપીઓએ ગાંધીધામમાં ફાયનાન્સ કંપનીમાં લૂંટ ચલાવવાનું આયોજન પણ ઘડી કાઢયું હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. આમ, હરિયાણાના આ ગેંગસ્ટરો ખૂબ જ ખતરનાક છે અને બંદૂક ચલાવી ખૂન ખરાબા કરી લૂંટ ચલાવવી તેમના માટે સામાન્ય બાબત છે. હરિયાણાની આ ગેંગ કચ્છમાં વધુ ખૂન ખરાબા સાથે અન્ય લૂંટફાટને અંજામ આપે તે પહેલાં જ પોલિસે ઝડપી લીધી છે. બાકીના બે ભાગેડુ લૂંટારુઓને ઝડપવાનો પડકાર અત્યારે પોલીસ સામે છે.(૨૩.૧૩)

(11:21 am IST)