Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પલ્સ કંપનીમાં ફસાયેલા ૩૦૦ કરોડ પાછા અપાવવા કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરે : કચ્છ - મોરબીના રોકાણકારોની માંગણી

 ભુજ તા. ૧૨ : ગુજરાતમાં પલ્સ કંપનીના ફસાયેલા નાણાંના મુદ્દે હજારો રોકાણકારો કેન્દ્ર સરકાર સમક્ષ કોર્ટના ઓર્ડરનો અમલ કરાવવાની માંગણી કરી રહ્યા છે. પર્લ્સ એગ્રો ટેક ઇન્ડિયા નામની કંપનીમાં ઉંચા વ્યાજની લાલચે મોરબી અને કચ્છના હજારો રોકાણકારોએ રોકેલા નાણાં પરત નહીં મળતા નાના નાના રોકાણકારો પરેશાન છે.

ભુજમાં પલ્સ ઇન્ડિયા કંપનીના રોકાણકારોએ રેલી યોજીને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા નહી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ગાંધીજીના પૂતળા પાસેથી સાંસદ વિનોદ ચાવડાની ઓફિસે પહોંચેલા પલ્સ ઇન્ડિયા કંપનીના મોરબી કચ્છના એજન્ટોએ લેખિત અને મૌખિક રજુઆત કરીને પલ્સ ઇન્ડિયા કંપનીમાં હજારો રોકાણકારોના અટવાયેલા નાણાં પરત મળે તે માટે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરે તેવી માંગણી કરી હતી. જોકે, સાંસદ વિનોદ ચાવડાની ગેરહાજર હોઈ આવેદન પત્ર તેમના અંગત મદદનીશ જગદીશગીરી ને આપવામાં આવ્યું હતું.

પર્લ્સ એગ્રોટેક લિમિટેડ જે PACL અને સ્થાનિકે કચ્છમાં પલ્સ ઇન્ડિયા કંપનીના નામે ઓળખાય છે. તેના એજન્ટોએ સાંસદને આપેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ અને મોરબીના ૨૬ હજાર એજન્ટો દ્વારા ૫ લાખ રોકાણકારોના અંદાજીત ૩૦૦ કરોડ રૂ. પલ્સ ઇન્ડિયા કંપની માં સલવાયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા જસ્ટિસ લોઢાની કમિટી સમક્ષ પલ્સ ઇન્ડિયાએ પોતાની બધી મિલકતો વેંચીને રોકાણકારોને નાણાં ચૂકવી દેવા સંમતિ આપી દીધી છે. જે અંતર્ગત ૨/૨/૧૬ના કરાયેલા નિર્ણય નો ત્રણ વર્ષ થી કેન્દ્ર સરકારે અમલ નહિ કરતા રોકાણકારો ને પૈસા પાછા મળ્યા નથી. જસ્ટિસ લોઢા કમિટીના નિર્ણયનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપભેર કરાવવાની માંગ પલ્સ ઇન્ડિયાના રોકાણકારોએ મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા સમક્ષ કરી છે.

જોકે, એક તબક્કે લોકસભાની ચૂંટણીના બહિષ્કારની તેમ જ આમરણાંત ઉપવાસની ચીમકી પણ લેખિત આવેદનપત્ર માં અપાઈ છે.ઙ્ગ પલ્સ ઇન્ડિયાને મુશ્કેલી ૨૨/૮/૧૪ ના સેબીએ કરેલી કાર્યવાહી મિલકત અને નાણાં જપ્તીને કારણે થઈ. જોકે, નાણાંકીય શરતોનું પાલન નહિ કરવા અને નાણાંકીય અનિયમિતતા બદલ સેબી આવી કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે.

સાચી વાસ્તવિકતા એ છે કે, વધુ વ્યાજની લાલચે નાનો મધ્યમવર્ગીય રોકાણકાર આવી ખાનગી ફાયનાન્સ કંપનીની મોહજાળ માં ફસાય છે. અત્યારે તો પલ્સ ઇન્ડિયામાં રોકાણકારોની સાથે એજન્ટોની હાલત પણ કફોડી છે.(૨૧.૮)

 

(11:20 am IST)
  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST