Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

લીંબડીના ધંધાર્થીનો છ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા.૧ર : લીંબડીના જમીન મકાન ધંધાર્થીએ ઉછીની રકમ પરત પેટેના રૂ.૬ લાખનો ચેક પાછા ફર્યા મુદે કરેલા કેસમાં અદાલતે રાજકોટના વિશાલસિંહ જયરાજસિંહ રેવર સામેનો કેસ ના સાબીત માનીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસ મુજબ લીંબડીના ગ્રીન ચોકમાં દુકાન રાખીને જમીન-મકાનનું કામ કરતા પ્રતિક એન્ટરપ્રાઇઝવાળા અશ્વિન શંકરભાઇ પટેલે પોતાના મિત્ર હિતુભા મારફત પરિચયમાં આવેલા વિશાલસિંહ જયરાજસિંહ રેવર રહે.રાજકોટ સામે આ ચેક પાછો ફર્યાની ફરિયાદ લીંબડી જેએમએફસી સમક્ષ નોંધાવી હતી.

આ કેસમાં જેએમએફસી અદાલતે સમન્સ કાઢતા વિશાલસિંહ જયરાજસિંહ રેવર હાજર થયા હતા અને અદાલતમાં તેણે ફરિયાદી અશ્વિન પટેલનો કોઇ પરિચય નહી હોવાનું તેમજ બંને વચ્ચે કોઇપણ પ્રકારનો વ્યવહાર થયો ન હોવાનુ ઉપરાંત પોતે તેને કોઇ ચેક સહી કરી આપ્યો ન હોવાની રજુઆત કરી હતી. બાદમાં અને ગુનાનો ઇન્કાર કર્યો હતો. આ કેસ લીંબડીથી રાજકોટ બીજા એડીશ્નલ ચીફ જયુ.મેજી.માં ટ્રાન્સફર થયો હતો.

આ કેસ ચાલી જતા બીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી ઇ.એમ. શેખે વિશાલસિંહ રેવર સામેનો ફરિયાદી અશ્વિન પટેલનો કેસ ના સાબિત માનીને વિશાલસિંહ રેવરને નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ના ગુનામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં વિશાલસિંહ રેવર વતી એડવોકેટ ઉજ્જવલ રાવલ રોકાયા હતા.

(4:09 pm IST)