Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ભુજ જંગલખાતા દ્વારા સારૂ ઘાસ બારોબાર વેંચી સુરેન્દ્રનગરથી અખાદ્ય ઘાસનો જથ્થો મૂકી દેવાયો

ધ્રંગ ગોડાઉનમાં આરએફઓની ભૂમિકા શંકાના દાયરામાં તપાસ કરવા કોંગી અગ્રણી આદમ ચાકીની માંગ-ગૌમાતાના ભોગે કૌભાંડ કરનારાઓને સરકાર ખુલ્લા પાડે

ભુજ તા.૧૨: એક બાજુ સરકાર ગૌ હત્યા અટકાવવા માટે કડક કાયદાો કરે છે દુષ્કાળ-અછતમાં ગૌમાતાને બચાવવા રાહતદરે ઘાસ વિતરણ કરે છે. બીજી બાજુ 'ઘાસની હેરાફેરી' દ્વારા ગૌમાતાના ભોગે લાખો રૂપીયાના કૌભાંડ આચરે છે કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ પ્રદેશ મંત્રી આદમ ચાકીએ જંગલખાતાની ભુજ રેન્જમાં ઘાસચારાનું લાખો રૂપીયાનું કૌભાંડ આચરાયું હોવાના આધાર પુરાવાઓ કચ્છ જિલ્લા વન વિભાગને આપીને કૌભાંડકારો વિરૂધ્ધ તપાસ કરી અખાદ્ય ઘાસનું કૌભાંડ અટકાવવા માંગ કરી છે.

ભુજના હબાય ધ્રંગ મધ્યે આવેલા જંગલખાતાના ગોડાઉનની અંદર સરકાર દ્વારા અછતના સમય માટે સંગ્રહીત કરાયેલ હબાય રખાલનો ઘાસનો જથ્થો બારોબાર વેંચી નખાયો છે. આ ઘાસચારા કૌભાંડ આચરનારા જંગલ ખાતાના અધિકારીએ લીપાંપોતી કરવા અને સ્ટોક મેઇનટેઇન કરવા સુરેન્દ્રનગરનાં ચરોટીથી ઘાસ મંગાવીને ફરી ગોડાઉનમાં રાખી દીધું છે.

આધાર પુરાવાઓમાં આદમ ચાકીએ લેખિતમાં ટ્રક નંબરો આપતા આક્ષેપ કર્યો છે કે ૨૪/૧૨/૧૭ થી ૨૭/૧૨/૧૭ સુધી ટ્રક નં.જીજે ૨૪ બી ૯૮૩૮, જીજે ૨૪ વી ૭૪૬૨, જીજે ૧ સીવાય ૯૦૩૮, જીજે ૨૪ વી ૨૩૮૦ દ્વારા ચરોટી (સુરેન્દ્રનગર) થી ઘાસનો જથ્થો મંગાવી ને અહીં ઉતારાયો છે આ અખાદ્ય ઘાસ છે

આ કૌભાંડ વધુ પણ હોઇ શકે છે એટલે સરકારે તપાસ કરીને ઘાસ ચારાનું કૌભાંડ કરનારાઓને ખુલ્લા પાડી કડક પગલા ભરે આવેદન પત્ર આપવા સમયે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રસિક ઠકકર, કચ્છ યુનિવર્સીટીના સેનેટ મેમ્બર અને કોંગી આગેવાન રમેશ ગરવા સાથે રહ્યા હતા.

અહીં વરસાદના સમયમાં રખાસમા થતુ ઘાસ એકત્રિત કરાય છે જે દુષ્કાળ અને અછત દરમ્યાન વિતરીત કરાય છે. કૌભાંડાયાઓ સારૂ ઘાસ બારોબાર ઉંચા ભાવે વેંચી અખાદ્ય ઘાસ મુકી દે છે જે પશુઓ માટે હાનિકારક છે.

(4:01 pm IST)