Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સોમનાથમાં ૩૦ કરોડના ખર્ચે અદ્યતન શ્રી ખોડલધામ અતિથિ ભવનનું નિર્માણ થશે

સાડા નવ વિઘા જમીનમાં નિર્માણ, દાતાઓએ આપ્યું રૂ. ૨૬ કરોડનું માતબર દાન

વેરાવળ - પ્રભાસપાટણ : શ્રી સોમનાથ મંદિર ખાતે લેઉવા અતિથિ ભવન ભૂમિપૂજન સમારોહમાં પધારેલા સમાજના અગ્રણીઓ અને સૌવ લોકોએ સાથે મળી સોમનાથ મહાદેવની ધ્વજાપૂજન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે ખોડલધામ ચેરમેન નરેશભાઇ પટેલ, પ્રમુખ પરેશભાઇ ગજેરા, છગનભાઇ પટેલ, સ્વામીનારાયણ ગુરૂકુળના સંતો તથા સમાજના સૌ લોકો જોડાયા હતા. ધ્વજાપૂજા બાદ ટ્રસ્ટના જનરલ મેનેજર શાલ ઓઢાડી મહાનુભાવોનું સન્માન કરેલ હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ - વેરાવળ, દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ)

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૧૨ : ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વિઘા જમીનમા રૂ.૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અધતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. 

વર્તમાન સમયની તમામ જરૂરીયાતને આવરી લેતા આ અતિથિભવનનું આજે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સમારોહમાં વેરાવળ ખાતે સુઝલોન ગૃપનાં શ્રી તુલસીભાઇ તંતીનાં હસ્તે ભુમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડનાં ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ, પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, પટેલ સમાજના શ્રેષ્ઠીઓ શ્રી રાજુભાઇ હિરપરા, છગનભાઇ બુસા, દિનેશભાઇ કુંભાણી, રમેશભાઇ ટીલાળા, હર્ષદભાઇ માલાણી અને દાતા પરિવાર તેમજ ટ્રસ્ટીગણ અને વિશાળ સંખ્યામાં પટેલ સમાજનાં ભાઇ-બહેનો સહભાગી થયા હતા.

શ્રી લેઉઆ પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ તેનાં આજે દર્શન થયા હતા. સમાજ માટે કાર્ય કરવાની આહલેક થતા અતિથિભવનનાં નિર્માણ માટે એક દિવસમાં દાતાઓ દ્વારા રૂ. ૨૬ કરોડનું માતબર દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અતિથિભવનના મુખ્ય દાતા સુઝલોન પરિવારે ભવનને પોતાનું નામ આપવાની દરખાસ્તને ત્યજી ખોડલ માતાનાં નામ સાથે અતિથિભવન નિર્માણ કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

   આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલે કહ્યું કે, ધર્મસ્થાનો થકી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને તેનાથી જ સારા વિચારોનો જન્મ થાય છે અને આવા સારા વિચારો થકી જ સમાજમાં સદકાર્યો થાય છે. મુખ્યદાતા સુઝલોન ગૃપનાં શ્રી તુલસીભાઇ તંતીએ કહ્યું કે, આજે સમાજ માટે ખુબ અગત્યનો દિવસ છે. તેમણે સમાજમાં વિકાસમાં હંમેશા સહયોગી બનવાની તત્પરતા વ્યકત કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલે સમાજ માટે કાર્યરત આગેવાનો યુવાનોની ટીમને બીરદાવી અતિથિભવનનાં નિર્માણમાં સહયોગી સૈાને બીરદાવ્યા હતા.

આ પ્રસંગે ખોડલધામ અતિથિભવનનાં ટ્રસ્ટીઓ, દાતા પરિવાર સહિત બહોળી સંખ્યામાં પટેલ સમાજનાં આગેવાનો, સ્વામીનારાયણ મંદિરનાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.હરેશ કાવાણી અને શૈલેષ સગપરીયાએ કર્યું હતું.

આ પ્રસંગે કસુંબલ લોકડાયરો લોકોએ મનભરીને માણ્યો હતો. અતિથિભવનમાં પુરતા હવા ઉજાસવાળ રૂમ, બેન્કવેટ હોલ, ભોજનાલય, કલબ હાઉસ, સ્વીમીંગ પુલ, થિયેટર, પાર્ટી લોન્સ જેવી સુવિધાનું નિર્માણ કરવામાં આવશે.

(12:02 pm IST)