Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

કતપર ગામે પવનચક્કી પ્રોજેકટના મજૂરો ઉપર પથ્થરમારો

૧૫૦ જેટલા લોકોનું ટોળુ લાકડી - ધોકા વડે તૂટી પડયું : ટોળા સામે પોલીસ ઓછી પડી : મહુવામાં ૧૨૫ સામે ફરિયાદ

ભાવનગર તા. ૧૨ : મહુવાના કતપર સહિત ગામોમાં કે.પી. એનર્જી દ્વારા પવનચક્કી લગાવવામાં આવી રહી છે. જેનો કેટલાક લોકો તથા સંસ્થાઓ વિરોધ કરી રહી છે. પર્યાવરણને નુકસાનકર્તા ન હોવા છતાં વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ હતી તે દરમિયાન ૧૫૦ જેટલી સ્ત્રી-પુરૂષોનું ટોળુ કતપર બંદર લાઇટ હાઉસ પાસેની કામની સાઇટ પર ધસી ગયું હતું અને પવનચક્કીનું કામ કરી રહેલા મજુરો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડી - ધોકા વડે તૂટી પડયા હતા પરંતુ ટોળા સામે પોલીસ ફોર્સ ઓછી પડી હતી.

ટોળા દ્વારા પથ્થરમારો અને લાકડી - ધોકા વડે હુમલો કરતા અનેક મજૂરોને નાની-મોટી ઇજા થવા પામી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ટોળાએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પવનચક્કીના કારણે થતાં અવાજથી રહેણાંકી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલીઓ સર્જાતી હોવાનું ટોળાએ જણાવેલ.

આ બનાવ સંદર્ભે પો.કો. ભરતભાઇ સાંખટે મહુવા પો.સ્ટે.માં વિનોદ બેચરભાઇ ચાવડા, દિપક મનસુખભાઇ બાંભણીયા, નરેશ મોહનભાઇ બાંભણીયા, જયાબેન નરશીભાઇ ડોણાસીયા, રમેશ બોઘાભાઇ બારૈયા, ગુડીબેન રમેશભાઇ બારૈયા, જાનુબેન મોહનભાઇ બારૈયા, રેખાબેન શાંતિભાઇ બારૈયા, ભારતીબેન ભરતભાઇ ડોણાસીયા, નરશીભાઇ આતુભાઇ, ધનજીભાઇ ભગવાનભાઇ શિયાળ, આતુભાઇ બોઘાભાઇ ડોણાસીયા, અરવિંદભાઇ ડાયાભાઇ બાંભણીયા, ડાયબેન બેચરભાઇ ચાવડા, મંજુબેન અરજણભાઇ ચાવડા, રાજુભાઇ ભીખાભાઇ બાંભણીયા, તેજુબેન આતુબેન ડોણાસીયા, કિશોરભાઇ નરશીભાઇ ડોણાસીયા, બેચરભાઇ ડાયાભાઇ ચાવડા, ડાયાભાઇ કાળુભાઇ ડોળીયા, કેતનભાઇ માલાભાઇ શિયાળ, સવજીભાઇ સોળાતભાઇ બારૈયા, રાહુલ સોમાતભાઇ બારૈયા, સોમાત બાબુભાઇ બારૈયા, સુનિલભાઇ ધીરૂભાઇ ડોળીયા, ખોડાભાઇ બોઘાભાઇ ગોહિલ, શાંતિભાઇ બાલાભાઇ તથા રતનબેન સહિત ૧૨૫થી ૧૫૦ મહિલા તથા પુરૂષોના ટોળા સામે હુમલો કરી માર મારી તોડફોડ કરી ઓન પેમેન્ટ બંદોબસ્તમાં હોય તેની ફરજમાં રૂકાવટ કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ નોંધાવી હતી.(૨૧.૧૧)

 

(12:12 pm IST)