Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભાણવડમાં આંગણવાડીના બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા ગૃહિણીઓનું હલ્લાબોલ

દાળમાં ઇયળો નિકળતા બાળકોને ઝાડા થયા : પીવાનુ પાણી પણ ડહોળુ : મામલતદારને રજૂઆત

ભાણવડ તા.૧૨ : શહેરના રામેશ્વર પ્લોટમાં આવેલી આંગણવાડીના સંચાલીકા તેમજ સહાયકે ઇયળો અને ધનેડાવાળી છડી મગદાળ બાળકોને બનાવી ખવડાવતા કેટલાક બાળકોને ઝાડા ઉલ્ટી થઇ પડતા ભારે તનાવ સર્જાયો હતો.

આંગણવાડી કેન્દ્ર નં.૭ના સંચાલક રસીલાબેન નકુમ તથા સહાયક રમીલાબેન કોટાએ સોમવારે આંગણવાડીમાં બાળકો માટે મગની છડી દાળ બનાવી ખવડાવી હતી. જે ખાધા બા એકાએક એક સાથે અનેક બાળકો ઝાડા ઉલ્ટીનો ભોગ બનતાએ માતાઓએ તપાસ કરતા બેદરકારીભર્યુ ગંભીર કાંડ બહાર આવ્યુ કે, આંગણવાડીમાં આપવામાં આવેલ સડેલી અને પડતર છડી મગદાળ ભૂલકાઓને બનાવી ખવડાવી દેવામાં આવેલ.

વિફરેલી માતાઓ મંગળવારે સવારે જ આંગણવાડી કેન્દ્રમાં હલ્લાબોલ મચાવી હતી. વોર્ડ નં.૧કે જેમાં આ વિસ્તાર આવે છે તેના તમામ કોર્પોરેટર હર્ષિદાબેન રાઠોડ, ટીટીબાપુ, ઇમરાન ગઢકાઇ સહિતનાઓને બોલાવી સમગ્ર હકીકતથી વાકેફ કરી તેમને સાથે રાખી તપાસ કરતા કેન્દ્રમાં પારાવાર ક્ષતિઓ સામે આવી હતી. જેમાં આંગણવાડીની અસ્વચ્છતા, ખાદ્યાન્નમાં ઉપયોગમાં લેવાતુ ડહોળુ પાણી, આરઓ સિસ્ટમ એકવર્ષથી ફીટ કરાયા છતા કાર્યરત નથી કરવામાં આવી જેવી ઉંડીને આખે વળગે તેવી ક્ષતીઓ દેખાઇ હતી. જયારે સંચાલીકા રસીલાબેન આજે કેન્દ્રમાં બિમાર ન હોવાથી હાજર ન હતા. અને હેલ્પર રસીલાબેને અખાદ્ય દાળ હોવાનુ સ્વીકાર્યુ હતુ. જેને પગલે કોર્પોરેટર હર્ષિદાબેન રાઠોડે જે દાળ બાળકોને પીરસાઇ હતી તેનુ સેમ્પલ તેમજ એક મહિલાએ તૈયાર દાળ સાચવી હતી તેના ફોટા લઇ મામલતદાર કચેરીએ ઘસી જઇ મામલતદારે આંગણવાડી કેન્દ્રના ઇન્ચાર્જ સીડીપીઓ તેમજ ગોડાઉન મેનેજરને તાબડતોબ બોલાવી પુછપરછ કરતા મેનેજરે સ્પષ્ટતા કરીને ત્રણ માસથી મગની છડી દાળ ઉપરથી ફાળવવામાં જ નથી આવી તો આંગણવાડી કેન્દ્રમાં દાળ ફાળવવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. જેને મતલબ સ્પષ્ટ છે કે મગદાળ ત્રણ માસ પહેલાની જ હશે ત્યારે આ મામલે મામલતદારે ઇન્ચાર્જ સીડીપીઓને તાકીદ કરી કે આ અંગે ઝડપથી ઘટતુ કરી કાર્ય કરી કરવામાં આવે તો કોર્પોરેટર હર્ષિદાબેને આંગણવાડી કેન્દ્રની બંને કાર્યકરો વિરૂધ્ધ દાખવવામાં આવેલી અક્ષમ્ય લાપરવાહી બદલ કડક પગલા ભરવા માંગ કરી છે. આ તકે તા.પં. પ્રમુખ કરશનભાઇ ભેડા તથા જી.પં.સદસ્ય જેઠાભાઇ પણ આંગણવાડી કેન્દ્રએ આવી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવેલ હતો અને આ ઘટના અતિગંભીર ગણાવી યોગ્ય કરવા મામલતદારને રજૂઆત કરી હતી.(૪૫.૪)

 

 

(12:07 pm IST)