Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ધોરાજી એસ.ટી. ડેપો દ્વારા કનકાઇ (જંગલ) વાયા જુનાગઢ સત્તાધાર એસ.ટી. બસનો પ્રારંભ

ધોરાજી તા.૧ર : ગુજરાતમાં એકમાત્ર જુનાગઢ ડીવીઝન અને ધોરાજી એસ.ટી. બસ ડેપો દ્વારા બે વર્ષ પહેલા પ્રારંભ કરાયેલ ગીરના પવિત્ર યાત્રાધામ કનકાઇ ગાઢ જંગલમાં કનકાઇ માતાજીના દર્શન માટે બસનો પ્રારંભ થયો હતો. જે ચોમાસાના ૪ માસ બસ વ્યવહાર બંધ થાય છે જે ફરી ધોરાજીથી કનકાઇ રૂટની બસનો પ્રારંભ થયો હતો.

એસ.ટી. ડેપો મેનેજર પુરીબેન ડાંગરએ જણાવેલ કે ગીર જંગલમાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ કનકાઇ માતાજીના દર્શન માટે બસ દ્વારા કોઇ જોગવાઇ હતી નહી બાદ જુનાગઢ વિભાગીય નિયામકશ્રીની મંજુરી અને વનવિભાગની મંજુરી મળતા ગુજરાતમાં સૌ પ્રથમ વખત ધોરાજી ડેપો દ્વારા ધોરાજી કનકાઇ ૧૦૩ કિલોમીટર લાંબા લોકર રૂટનો પ્રારંભ કરેલ જે બે વર્ષ સુધી સફળ રહેતા અને દર ચોમાસાની ઋતુમાં બસનો વ્યવહાર બંધ રહેતા ફરી ધોરાજી ડેપો દ્વારા ધોરાજી કનકાઇ બસનો પ્રારંભ કરેલ છે.

ધોરાજી એસ.ટી. ડેપોમાંથી દરરોજ સવારે ૮-૩૦ કલાકે બસ કનકાઇ જવા ઉપડશે અને ધોરાજીથી જુનાગઢ-સત્તાધાર થઇને કનકાઇ મંદિર ખાતે બપોરે ૧ર-૩૦ કલાકે પહોંચશે અને યાત્રિકોમાં કનકાઇ માતાજીના દર્શન તેમજ ગીરના જંગલના પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરી બપોરે ૧-૩૦ પરત ધોરાજી ધોરાજી આવવા રવાના થશે. જે લગભગ સાંજે પ-૩૦ કલાકે ધોરાજી પરત આવી શકાશે.

પ્રાકૃતિક સૌંદર્યના અને માતાજીના દિવ્ય દર્શન ૧૦૩ કિલોમીટરના પ્રવાસનું ભાડુ માત્ર રૂ.પ૧ રાખવામાં આવેલ છે. આટલા નજીવા ભાડામાં કુદરતી સૌંદર્યના દર્શન કરાવતી ગુજરાતની એકમાત્ર ધોરાજી એસ.ટી. ડેપોની બસ છે તો યાત્રિકો-પ્રવાસીઓએ આ લાભ લેવા ખાસ યાદીમાં જણાવેલ છે.

(11:48 am IST)