Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઉપલેટાના સુબોધનગરમાં સામ્યવાદી માર્કસવાદી પક્ષનું જીલ્લા કક્ષાનું સંમેલન સંપન્ન

ઉપલેટા, તા. ૧ર : સી.પી.એમ. રાજકોટ જીલ્લાનું ત્રિવાર્ષિક સંમેલન ઉપલેટા મુકામે યોજાઇ ગયું. દિવંગત સી.પી.એમ. નેતા સુબોધ મહેતાની યાદમાં સંમેલન સ્થળનું નામકરણ સુબોધ મહેતા નગર રાખવામાં આવ્યું હતું. જીલ્લાના પ૦ ડેલીગેટસએ ભાગ લીધો હતો. જીલ્લા સંમેલનના નિરીક્ષક તરીકે સી.પી.એમ. રાજયમંત્રી પ્રાગજીભાઇ ભાંભીએ ધ્વજવંદન કરીને ઉદ્ઘાટન કરેલ અને જીલ્લા સંમેલન ખુલ્લુ મૂકાયું હતું.

સંમેલન ખુલ્લુ મૂકતા પ્રાગજીભાઇ ભાંભીએ જણાવેલ કે ભાજપની કેન્દ્ર અને રાજય સરકારની ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિઓથી મુડીવાદી કંપનીઓને લાભ થશે અને ખેડૂતો ગરીબો અને મધ્યમવર્ગના લોકોને પારાવાર નુકશાન થશે. સરકારની લોકવિરોધી નીતિઓ સામે લડવાની હાકલ કરેલ હતી. જીલ્લા સંમેલનના નિરીક્ષક અરૂણ મહેતાએ જણાવેલ કે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર લોકશાહી મૂલ્યોને તોડી રહી છે માટે લોકશાહી બચાવવા માટે સી.પી.એમ. કાર્યકરો લોકોને સંગઠીત કરી આંદોલનો તેજ કરવા હાકલ કરેલ હતી.

સી.પી.એમ. જીલ્લાનો રાજકીય સંગઠનાત્મક અહેવાલ જીલ્લા મંત્રી ડાયાભાઇ ગજેરાએ રજૂ કરેલ અહેવાલ પર ચર્ચામાં ર૦ ડેલીગેટસોએ ભાગ લીધેલ હતો પાણી સમસ્યા, ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, શિક્ષણનું ખાનગીકરણ, ભાંગી પડેલી કાયદો વ્યવસ્થા, મજૂરોને મીનીમમ વેતન વિગેરે મુદ્દાઓના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં.

આવતા ત્રણ વર્ષ માટેની પંદર સભ્યોની કારોબારી અને જીલ્લા મંત્રી તરીકે ડાયાભાઇ ગજેરાને સાર્વનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. રાજય સંમેલનના ૩૦ ડેલીગેટસોને પણ સર્વે સંમતીથી ચૂંટી કાઢવામાં આવ્યા હતાં.

(11:43 am IST)