Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

અમરેલી માટે ખારા પાણીને મીઠુ બનાવવાના પ્લાન્ટને મંજૂરી

અમરેલી તા. ૧૧ :.. રાજય સરકારની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટડ કંપની દ્વારા ઘોઘા બંદર ખાતે દરરોજનું સાત કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેકટને મંજૂરી મળી જતા એક વર્ષ બાદ રાજય સરકારના તમામ વિભાગોની મંજૂરી મળી જતા આ કામ શરૂ કરવામાં આવશે. જેના લીધે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના પ૦થી વધુ ગામોને આયોજનાનો લાભ મળશે. આ યોજના સાકાર કરવા માટે રાજય સરકાર દ્વારા અંદાજે રૂ. અઢીસો કરોડ ફાળવવામાં આવ્યા છે.

જયારે બાકીનો ખર્ચ કામ કરનાર એજન્સીએ ભોગવવાનો રહેશે. તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દિન પ્રતિદીન મીઠાપાણીની સમસ્યા ગંભીર બનતી જાય છે. ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના દરિયા કાંઠાના ગામોમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની અતિ ગંભીર સમસ્યા ઉદભવે છે. ત્યારે આ વિસ્તારની પ્રજાને એક બેડુ પાણી મેળવવા માટે એક એક કિ. મી. સુધી દુર જવુ પડતુ હોય છે. ત્યારે આ વિસ્તારની પ્રજાને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી પુરતુ મળી રહે તે માટે ઘોઘાબંદર ખાતે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવ માટેની મંજૂરી મળી ગઇ છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ કે દૈનિક ૭૦ એમ. એલ. ડી. એટલ કે ૭ કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવવામાં આવશે. આ યોજના થકી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના પ૦થી વધુ ગામોને નર્મદાની પાઇપ લાઇન દ્વારા મીઠુ પાણી પહોંચાડવામાં આવશે.

આ પ્લાન્ટની એજન્સીએ રાજય સરકારના વિવિધ વિભાગો જેવા કે ફોરેસ્ટ, પર્યાવરણ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ આ કામ શરૂ કરવામાં આવશે.

આ કામ અંદાજે એક વર્ષ બાદ શરૂ થઇ જતા પ૦થી વધુ ગામોને દરિયનું ખારૂ પણી મીઠુ બનાવી અને પહોંચાડવામાં આવશે.  આયોજના પાછળ જે ખર્ચ થનાર છે તેમાં પ૦ ટકા એટલે કે અઢીસો કરોડ જેવી રકમ રાજય સરકાર  દ્વારા આપવામાં આવશે. જયારે બાકીની રકમ કામ કરતી એજન્સીએ ભોગવવાની રહેશે તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.

(1:17 pm IST)