Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પોરબંદરમાં મુખ્ય વીજ કચેરીને બીલ ભરવા એક બારીથી પરેશાની : દરરોજ લાંબી લાઇન

મહિલાઓ સીનિયર સીટીઝનો, નોકરીયાત વર્ગ તોબા પોકારી જાય : વધુ બારી ખોલવા ચેમ્બરની રજૂઆત

પોરબંદર, તા. ૧૧ : ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયા અને ઇલેકટ્રીક કમીટીના ચેરમેન ભરતભાઇ રાયચૂરાએ રાજયના ઉર્જા મંત્રીને રજૂઆતમાં પીજીવીસીએલ મુખ્ય કચેરીએ ગ્રાહકોને વીજ બીલો ભરવામાં મુશ્કેલી તેમજ 'ઉજાલા' યોજના દ્વારા અપાયેલ બલ્બ પરત ન લેવા અંગે હાલાકી અંગે જણાવેલ છે.

શહરમાં ઇલેકટ્રીક બીલો ભરવા માટે ફકત પીજીવીસીએલની હેડ ઓફીસમાં ફકત સુવિધા પૂરતું ફકત એકજ કેશ બારી હોવાને કારણે વીજ બીલો ભરવા આવતા લોકોને કલાક-બે કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ બીલો ભરાતા હોય છે તેમાં પણ ખાસ કરીને વીજ બીલો ભરવાના અંતિમ દિવસોમાં અનહદ ધસારો થતો હોવાથી વીજ ધારકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નોકરીયાત વર્ગને, સીનિયર સીટીઝનોને તેમજ મહિલાઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે તેમજ દૂર દૂરથી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ લાઇનો ઉભા રહેવાથી સમય પૂરો થઇ જાય તો બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. અગાઉ બીલો સ્વીકારવા માટે બે કેશ બારી હોવાથી લોકોને ઘી રાહત રહેતી, પરંતુ એક કેશ બારી બંધ કરી દેતા પ્રજાને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડે છે અને સમયનો વ્યય થતો હોય અને આર્થિક રીતે પણ પ્રજાને સહન કરવું પડતું હોય આ બાબતે સ્થનિક પીજીવીસીએલ સમક્ષ રજૂઆત કરેલ કે, બે કેશ બારીની સુવિધા પ્રાપ્ત થયેલ હોવા છતાં કોઇપણ કારણોસર એક કેશ બારી બંધ કરી પ્રજાને શા માટે હેરાન કરો છો જેથી તાત્કાલીક બે કેશબારી શરૂ કરો તેવી માંગણી કરવા છતાં કોઇ સાનુકુળ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી.

સરકારશ્રી દ્વારા જાહેર જનતા માટે રાહત ભાવે ઉજાલા બલ્બનું વીજ ઓફીસેથી વહેંચાણ થતું હતું અને જે તે સમયે નિશ્ચિત મુદતમાં બદલાવી આપવાની ગેરન્ટી પણ આપવામાં આવેલ હતી, પરંતુ ઘણા સમયથી ડેમેજ થયેલા બલ્બ બદલવા માટેની કોઇ જ વ્યવસ્થા નથી. આ બાબતે પોરબંદરની સ્થાનિક ઓફીસમાં રૂબરૂ અને લેખિત ઉગ્ર રજૂઆત કરતા થોડો સમય બલ્બ બદલાવી આપવાની પ્રક્રિયા શરૂ કરેલ, પરંતુ ફરી પાછી બલ્બ બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવતા શહેરના તથા ગામડાના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ આર્થિક રીતે પણ ખર્ચનો ભોગ બની ધરમના ધક્કા ખાવા પડે છે. તેમ રજૂઆત જણાવેલ છે.

(1:11 pm IST)