Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જામનગરના લોઠીયા ગામે રાત્રી સભામાં અધિકારીઓએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

જામનગર તા.૧૧: તા.૦૯/૧૨/૨૦૧૯ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકએ જામનગર તાલુકાના લોઠીયા ગામે એક રાત્રી-સભા યોજી હતી. લોઠીયા ગામે રાત્રી સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આ અભિગમને વધાવી લીધો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અફસાના મકવા અને ડો.ભગીરથ પટેલ સહીત આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, મેલેરીયા, શિક્ષણ, બાંધકામ, સિંચાઈ, આઈસીડીએસ, સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને જામનગરના તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તમામ અધિકારી-કર્મચારી હાજર રહ્યા હતા.

જિલ્લાના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને ખેતીવાડી અને પશુપાલનની વિવિધ સવલતો અને યોજનાઓ વિષે માહીતગાર કરવામાં આવ્યાં હતા. સાથોસાથ મા વાત્સલ્ય, મા અમૃતમ, જનની સુરક્ષા યોજના અને આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે આરોગ્ય અધિકારીએ જાણકારી આપી હતી. આ સિવાય સમાજ સુરક્ષા અને શિક્ષણ લગત લાભો વિષે પણ લોકોને અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારીકે રાત્રી સભાનો હેતુ અને મહત્વ સમજાવી ગ્રામજનો તરફથી રજૂ થનારા પ્રશ્નો, રજુઆતો અને ફરીયાદો સાંભળીને તેના નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગામના સરપંચ અને ગ્રામજનો તરફથી ગ્રામ પંચાયતનું મકાન જર્જરીત હોવા, પ્રાથમિક શાળાના ૦૪ ઓરડા બનાવવા તથા ગામતળ નહીં હોવાથી મફત પ્લોટ નહી મળવા બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી.

જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતુ કે, પંચાયતનું મકાન નવું બનાવવાની દરખાસ્ત અગાઉથી જ સરકારમાં મોકલેલ છે.શાળાના ઓરડાની દરખાસ્ત તાત્કાલીક મોકલવા અને ૩ દિવસમાં મંજૂરી આપવા ખાત્રી આપી હતી. ગામતળ વધારવા માટે સરપંચને દરખાસ્ત મોકલી આપવા અને આ દરખાસ્તને અગ્રતાક્રમ આપી કાર્યવાહી હાથ ધરવા તાલુકા વિકાસ અધિકારીશ્રીને સુચના આપી હતી.

ગામમાં ધો.૮ સુધીની જ શાળા હોવાથી, કન્યાઓને આગળ ભણવા માટે બહારગામ નહીં મોકલતા હોવાનું જાણ્યા બાદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કન્યાઓને વધુ અભ્યાસ કરાવવા માટે વાલીઓને પ્રોત્સાહીત કર્યા હતા અને કન્યાઓને આગળ અભ્યાસ કરાવવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું.

રાત્રી સભા પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સખી મંડળ સંચાલિતશ્રી લોઠીયા મહીલા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી અને મંડળીની મહીલાઓને તેમની કામગીરી પ્રત્યે બીરદાવી હતી

(12:02 pm IST)