Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જંગવડ પાસે ચાલુ ટ્રકને ઓચીંતી બ્રેક લાગી જતાં સ્ટીયરીંગ છાતીમાં અથડાયું: પોરબંદરના હસમુખભાઇ સોમૈયાનું મોત

૫૬ વર્ષિય ડ્રાઇવરને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ ખસેડ્યા પરંતુ દમ તોડી દીધોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ નજીક સાંજે ચાલુ ટ્રકને અચાનક બ્રેક લાગી જતાં ચાલક પોરબંદરના લોહાણા પ્રોૈઢને છાતીમાં સ્ટીયરીંગ લાગતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ પોરબંદર બોખીરા હનુમાનજી ડેરી પાસે ખુમંગ વિસ્તારમાં રહેતાં રહેતાં લોહાણા હસમુખભાઇ લાલજીભાઇ સોમૈયા (ઉ.૫૬) નામના પ્રોૈઢ  ટ્રક ડ્રાઇવીંગ કરતાં હોઇ શેઠ રામભાઇ જેઠાભાઇ ઓડેદરાની ટ્રક લઇને ભાવનગર ગયા હતાં. ત્યાંથી ખાલી ગાડી લઇ ગત સાંજે રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે જંગવડ નજીક અચાનક ગાડીમાં બ્રેક લાગી જતાં ટ્રક ઉભો રહી ગયો હતો. એ સાથે જ હસમુખભાઇને ટ્રકનું સ્ટીયરીંગ છાતીમાં લાગી જતાં તેઓ બેભાન થઇ ગયા હતાં.

લોકો ભેગા થઇ જતાં કોઇએ તેમના ફોનમાંથી શેઠ રામભાઇ ઓડેદરાને જાણ કરતાં તેઓ રાજકોટમાં જ હોઇ તાકીદે હસમુખભાઇને હોસ્પિટલે પહોંચાડવા વ્યવસ્થા કરાવી હતી. તેમને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને હમીરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના એક ભાઇ પોરબંદર રહેતાં હોઇ તેમને જાણ કરાઇ હતી.

(11:49 am IST)