Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

મોરબી સિંચાઇ કૌભાંડમાં આરોપીની વોઇસ સ્પેકટોગ્રાફીની અરજી કોર્ટે ફગાવી

મોરબી તા. ૧૧ : મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં આરોપીઓની ઓડિયો કલીપ મામલે વોઈસ સ્પેકટોગ્રાફી કરવા માટે પોલીસે કોર્ટમાંથી મંજુરી માંગી હતી જે અરજી સંદર્ભે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે સુનાવણીમાં પોલીસની મંજુરી અંગેની અરજી ફગાવી દીધી છે.

મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડ પ્રકરણમાં આરોપી કાર્યપાલક ઈજનેર, ધારાસભ્ય પરષોતમ સાબરીયા, હળવદના વકીલ ભરત ગડેશીયા, તેમજ મંડળીના પ્રમુખ ગણપતભાઈ મોહનભાઈ રાઠોડની વોઈસ સ્પેકટોગ્રાફી કરાવવાની મંજુરી માંગતી અરજી પોલીસે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કરી હતી જે મામલે આરોપી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસે બધા જ આરોપીના વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે મંજુરી માંગી છે જે અંગે જણાવેલ કે ભારતના બંધારણના આર્ટીકલ ૨૦ (૩) માં દરેક નાગરિકને મૌન રહેવાનો અધિકાર આપવામાં આવેલ છે અને ગુજરાત હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ પારડીવાળાનું તા. ૧૮-૦૧-૨૦૧૭ના રોજ નટવરલાલ અમરશી દેવાણી વિરુદ્ઘ સ્ટેટ ઓફ ગુજરાત જજમેન્ટ રજુ કરી દલીલ કરવામાં આવી કે આરોપીને તેની પોતાની વિરૂદ્ઘ વોઈસ સ્પેકટોગ્રાફી પુરાવો આપવા ફરજ ના પાડી શકાય.

તેમજ તપાસ કરનાર અધિકારી કે સરકારી વકીલ વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે કોર્ટ મંજુરી આપે તેવો કોઈ પુરાવો રજુ કરી સકેલ નથી જે તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી ઈજનેર કાનાણી, પરષોતમ સાબરીયા, વકીલ ભરત ગડેશીયા, મંડળી પ્રમુખ ગણપતભાઈ મોહનભાઈ રાઠોડની પોલીસે માંગેલ વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા માટેની અરજી નામંજૂર કરી છે આરોપીઓ તરફે મોરબીના એડવોકેટ દિલીપ અગેચણીયા રોકાયેલ હતા.

(9:59 am IST)