Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

માસુમ દેવનું અપહરણ કરનાર હિન્દી ભાષી શખ્સને ગ્રામજનોએ લમધારી નાખ્યોઃ વિડીયો વાયરલ થયો

રાજકોટ, તા. ૧૧ :. મોરબીના ઉદ્યોગપતિના પુત્ર દેવ (ઉ.વ.૬)નું અપહરણ કરનાર હિન્દી ભાષી શખ્સને રફાળેશ્વરના ગ્રામ્યજનોએ લમધારી નાખી સારો એવો મેથીપાક ચખાડ્યો હતો અને તે અંગેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

મોરબીના ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પાડલીયાના પુત્ર દેવ (ઉ.વ.૬)નું બે શખ્સોએ બાઈકમાં અપહરણ કરી ગયા બાદ પોલીસે નાકાબંધી કરી હતી. આ નાકાબંધી દરમિયાન રફાળેશ્વર ગામ પાસે જીઆરડીના જવાન હડીયલભાઈ તથા ગ્રામ્યજનોએ અપહરણકારોને આંતરી અપહૃત દેવને મુકત કરાવ્યો હતો અને એક હિન્દી ભાષી શખ્સને ઝડપી લીધો હતો. બાળકનું અપહરણ થયાનું ખુલતા ઉશ્કેરાયેલ ગ્રામ્યજનોના ટોળાએ અપહરણકાર હિન્દી ભાષી શખ્સને લમધારી નાખી સારો એવો મેથીપાક ચખાડયો હતો. જો કે પોલીસ આવી જતા તૂર્ત જ હિન્દી ભાષી શખ્સને દબોચી લેવાયો હતો. માસુમ બાળકનું અપહરણ કરનાર હિન્દી ભાષી શખ્સને ગ્રામ્યજનોએ મેથીપાક ચખાડયો તે અંગેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

(3:59 pm IST)