Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અપહરણકારોનો પ્લાન ખંડણી પડાવવાનો હતો પણ નિષ્ફળ ગયો !

મોરબીના ઉદ્યોગપતિના માસુમ પુત્ર દેવ (ઉ.વ.૬)ના અપહરણ-છૂટકારા બાદ ચોંકાવનારી વિગતો ખૂલી : પોલીસની નાકાબંધીમાં જીઆરડીના જવાન હડીયલે ગ્રામ્યજનોની મદદથી અપહરણકારોને આંતરી માસુમ દેવને મુકત કરાવ્યોઃ અપહરણમાં હિન્દી ભાષી ગેંગ સામેલ !

રાજકોટ, તા. ૧૧ :. મોરબીના ઉદ્યોગપતિના માસુમ પુત્ર દેવ (ઉ.વ.૬)ના અપહરણ પ્રકરણમાં પોલીસે એક આરોપીને દબોચી લીધા બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. અપહરણકારોનો પ્લાન માસુમ દેવનું અપહરણ કર્યા બાદ ખંડણી પડાવવાનો હતો પણ પોલીસની સક્રીયતાથી તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પાડલીયાના પુત્ર દેવ (ઉ.વ.૬) આજે સવારે તેના ઘરે સ્કૂલવાનની રાહ જોતો હતો ત્યારે અચાનક જ આવેલા બે અપહરણકારો દેવનું બાઈકમાં અપહરણ કરી નાસી છૂટયા હતા. પરીવારજનોએ પોલીસને જાણ કરતા એકશનમાં આવેલી પોલીસે તૂર્ત જ જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી. આ નાકાબંધી દરમિયાન વાંકાનેર હાઈવે પર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆરડીના જવાન હડીયલભાઈ એક બાળકને બે અપહરણકારો સાથે પસાર થતા જોઈ જતા તેના આંતરી દેકારો કરતા ગ્રામ્યજનોનુ ટોળુ એકઠુ થઈ ગયુ હતુ. આ દરમિયાન મોરબી એ-ડિવીઝનના પી.આઈ. આર.જે. ચૌધરી તથા ડી-સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી જતા બાઈક સવાર શખ્સ નાસી છૂટયો હતો જ્યારે બાઈક પાછળ માસુમ દેવને લઈને બેઠેલ હિન્દી ભાષી શખ્સને ઝડપી લેવાયો હતો અને માસુમ દેવનો હેમખેમ છુટકારો થયો હતો.

દરમિયાન પકડાયેલ હિન્દી ભાષી શખ્સની પોલીસે પૂછપરછ કરતા તેની કબુલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલ હિન્દી ભાષી શખ્સે ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી ખંડણી પડાવવાનો ઈરાદો હોવાની કેફીયત આપી હતી. જો કે તેનો આ પ્લાન પોલીસ અને જીઆરડીના જવાનની સક્રીયતાને કારણે નિષ્ફળ ગયો હતો.

માસુમ દેવનું અપહરણ અને ખંડણી પડાવવાના ગુન્હામાં હિન્દી ભાષી ગેંગની સંડોવણી હોવાનું ખુલી રહ્યુ છે. દેવનું અપહરણ કરનાર બે શખ્સો પૈકી એક શખ્સ પકડાઈ ગયો છે જ્યારે એક શખ્સ નાસી છૂટયો હતો. આ અપહરણ પ્રકરણનો મુખ્ય આરોપી પકડાયા બાદ વધુ ચોંકાવનારી વિગતો ખુલે તેવી શકયતા છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અપહરણ અને ખંડણી પડાવવાનો કારસો રચનાર હિન્દી ભાષી શખ્સો મોરબી પંથકમાં જ સિકયુરીટી ગાર્ડ તરીકે અને મજુરો તરીકે કામ કરતા હતા. અપહરણનો પ્લાન રચનાર ગેંગના એકાદ સભ્ય ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પાડલીયાના કારખાનામાં સિકયુરીટી ગાર્ડ તરીકે અથવા તો મજુર તરીકે નોકરી કરતા હોવાનું અને તેણે જ અપહરણના પ્લાનની ટીપ આપી કારસો રચાયાનું બહાર આવી રહ્યુ છે. આ અપહરણ પ્રકરણમાં બે થી વધુ આરોપીઓના નામો ખુલે તેવી શકયતા છે. વધુ તપાસ પી.આઈ. આર.જે. ચૌધરી ચલાવી રહ્યા છે.

(3:59 pm IST)