Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

વાંકાનેર બેઠક ઉપર આ વખતે મતદાન વધ્યું: ચૂંટણી પુરી થતા જ ભાજપે જીતની ખુશી મનાવી ત્યારે કોંગ્રેસ કહે છે, આ ચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે છે, અપક્ષનો પણ જીતનો દાવોઃ અનેક અટકળો

ભૂતકાળમાં આ બેઠક પર મતોનું વિભાજન જ 'જીત-હાર'નું મુખ્ય પાસુ બનતુ જોવા મળેલુ છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૧ :. વાંકાનેર બેઠકમાં આ વેળા પણ તોતિંગ મતદાન ૭૪.૨૭ ટકા નોંધાયું. ગત ૨૦૧૨થીયે થોડું મતદાન આ વેળા વધ્યુ છે. આ ઘટવાને બદલે વધેલી મતદાનની ટકાવારી, આ બેઠકના મુખ્ય ત્રણ હરીફો, ભાજપ-કોંગ્રેસ અને એક સબળ અપક્ષ ઉમેદવારમાંથી કોને વિજયી બનાવશે ? તે અંગેની અટકળો હાલ આ મત વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે મતદાન પૂર્ણ થતા જ ભાજપે જીતની ખુશી મનાવીને આ બેઠક પર તેના ઉમેદવાર જીતુભાઈ સોમાણી જ વિજયી બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો છે તો સામે પક્ષે બે ટર્મથી સતત વિજયી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પીરઝાદા પણ જીતના આશાવાદ સાથે એવો પણ દાવોે કરે છે કે, ભાજપ આ ચૂંટણી રીઝલ્ટમાં ત્રીજા ક્રમે છે.

ભાજપ પક્ષ વર્તમાન ચૂંટણીમાં લડી રહેલા બહુજન સમાજ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ લીધેલા મતોને કારણે થતા વિભાજનનો આધાર બનાવીને વિજય મળવાની સંભાવના વ્યકત કરે છે તો કોંગ્રેસના આ વેળા સબળ અપક્ષ ઉમેદવારને મળેલા મતોના જથ્થાથી થતા મતોના વિભાજનનો આધાર બનાવી જીતની સંભાવના દર્શાવે છે.

મંડાઈ રહેલા આ ગણિતો વચ્ચે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ગત ૨૦૧૨ની ચૂંટણીમાં એક કોળી ઉમેદવારે ૩૦ હજાર ઉપરાંત લીધેલા મતોથી થયેલા વિભાજનને પગલે કોંગ્રેસની જીત અને ભાજપની હાર શકય બનેલી, જ્યારે આ વેળા કોળી ઉમેદવાર પણ જીતની નજીક હોવાનોે આશાવાદ અપક્ષ ઉમેદવારી તરીકે વ્યકત કરી રહ્યા છે. વાંકાનેર બેઠકમાં કોેંગ્રેસ-ભાજપ કે પછી ભાજપમાંથી છુટા થઈ અપક્ષ તરીકે લડનાર ગોરધન સરવૈયા વિજેતા થશે ? એ અંગે અટકળોનો દૌર ઠેર ઠેર ચાલી રહ્યો છે પરિણામે કેવું આવશે ? તે તો સપ્તાહ બાદ આવતા સોમવારે વાંકાનેર બેઠકની મત ગણતરી, સરકારી પોલીટેકનિક, ઘુંટુ રોડ, મોરબી ખાતે શરૃ થશે ત્યારે જ ખબર પડશે. હાલ તો વાંકાનેર બેઠકના કુલ મતદારો ૨,૪૩,૬૩૩ છે. તેમાથી ૧,૮૧,૬૮૧ મતદારોએ મતદાન કર્યુ છે. પરંતુ મતદાન સંપન્ન બાદ રાજકીય પક્ષો-અપક્ષો પોતાને મળતા મતોની જે સંભવિત સંખ્યાનો આંકડો દર્શાવી રહ્યા છે તે ચર્ચાઓ મુજબ ભાજપ ૬૫ થી ૭૦ હજાર, કોંગ્રેસ ૭૦ થી ૭૫ હજાર, અપક્ષ (ગોરધનભાઈ) ૫૦ હજાર ઉપરાંત બસપા ૧૫ હજાર આસપાસ અને આમ આદમી પાર્ટી ૭ થી ૮ હજાર મતો પોતાને મળશે તેવી સંભાવના દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીંની બેઠકમાં ૧૮ હજાર ઉપરાંત મતો સુધી ન પહોંચી શકનારા   ઉમેદવારો ડીપોઝીટ   ગુમાવશે. (૨-૧૧)

(1:27 pm IST)