Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મોરબી જીલ્લાની ત્રણ બેઠકોમાં સરેરાશ ૭૩.૧૯ ટકા મતદાન

મોરબી તા.૧૧ : મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક પર સવારથી મતદારો મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા વહેલી સવારથી દિગ્ગજ નેતાઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ સાથે યુવાનો, મહિલાઓએ પણ મતદાન કર્યું હતું તો અશકત વૃદ્ઘથી લઈને દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરીને પર્વમાં સહભાગી બન્યા હતા ત્યારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લાની ત્રણ બેઠકો પર ૭૩.૧૯ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું.

જેમાં મોરબી વિધાનસભા બેઠક પર ૯૯,૯૧૧ પુરુષો અને ૮૨,૪૩૫ સ્ત્રીઓ મળીને કુલ ૧,૮૨,૩૪૬ મતદારોએ મતદાન કરતા ૭૧.૨૪ ટકા મતદાન નોંધાયું હતું તેવી જ રીતે ટંકારા બેઠક પરથી ૮૯,૮૯૦ પુરુષ અને ૭૬,૫૨૩ સ્ત્રી મતદારો મળીને કુલ ૧,૬૬,૪૧૩ મતદારોએ મતદાન કરતા ૭૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું અને વાંકાનેર બેઠક પર ૯૮,૪૬૩ પુરુષ અને ૮૩,૪૬૮ સ્ત્રી મળીને કુલ ૧,૮૧,૯૩૧ લોકોએ મતદાન કર્યું હતું અને ૭૪.૩૮ ટકા મતદાન નોંધાયું હતું.

આમ મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં નોંધાયેલા કુલ ૭,૨૫,૧૦૦ મતદારોમાંથી ૨,૮૮,૨૬૪ પુરુષ અને ૨,૪૨,૪૨૬ સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મોરબી જીલ્લાનું કુલ સરેરાશ મતદાન ૭૩.૧૯ ટકા નોંધાયું હતું જોકે મોરબી જીલ્લાની ત્રણ બેઠકો પર પુરુષ મતદારોના સરેરાશ ૭૬.૨૬ ટકા સામે સ્ત્રીઓનું સરેરાશ મતદાન ૬૯.૮૫ ટકા નોંધાયું હતું. અને મોરબી જીલ્લામાં કુલ ૭૩.૧૯ ટકા સરેરાશ મતદાન નોંધાયું છે જે ગત ટર્મમાં ૭૪ ટકા જેટલું હતું જેથી મતદાનની ટકાવારી વર્ષ ૨૦૧૨ કરતા સહેજ ઓછી નોંધાઈ છે.(૨૩.૪)

(1:15 pm IST)