Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મોરબી ઉદ્યોગપતિના પુત્રના અપહરણમાં પૈસાની લેતી-દેતી કારણભૂત હોવાની આશંકાઃ એસ.પી. જયપાલસિંહ રાઠોડ

રાજકોટ તા.૧૧ : મોરબીના ઉદ્યોગપતિના માસુમ પુત્રનું અપહરણ થયા બાદ હેમખેમ છુટકારો થયો છે અને એક આરોપીને દબોચી લેવાયો છે. આ અપહરણ પાછળ પૈસાની લેતી-દેતી હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ બનાવ અંગે મોરબી એસપી જયપાલસિંહ રાઠોડનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, મોરબીના ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઇ પાડલીયાના પુત્ર દેવ (ઉ.વ.૬)નું વહેલી સવારે અપહરણ થયા બાદ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને માત્ર બે જ કલાકમાં માસુમ બાળકનું અપહરણ કરનાર બે આરોપી પૈકી એકને પોલીસે દબોચી લઇ અપહૃત બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. જો કે બીજો આરોપી નાસી છુટયો હતો.

પકડાયેલ આરોપીને કડક પુછતાછ હાથ ધરાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી-દેતીનું કારણ ખુલ્લી રહ્યુ છે. નાસી છુટેલ મુખ્ય આરોપી પકડાયા બાદ જ અપહરણ પાછળનું સાચુ કારણ બહાર આવશે. મુખ્ય આરોપીને ઝડપી લેવા એસઓજી, એલસીબી તથા અન્ય પોલીસ ટુકડીઓને કામે લગાડાઇ છે. તેમ અંતમાં એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.(૩-૧૦)

 

(12:24 pm IST)