Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પોરબંદરના ભીમાભાઇ ખુંટીની વેસ્ટઝોન વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટનપદે પસંદગી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧ : પોરબંદરના વતની અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમાભાઇ ખુંટીની વેસ્ટઝોન વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટનપદે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમાભાઇ ખૂંટીના કેપ્ટનશીપ નીચે ટી ર૦ વ્હીલચેર ક્રિકેટ ઝોનલ ટુર્નામેન્ટમાં ઝુકાવશે ઝોનલ ટુર્નામેન્ટ એટલે ત્રણ ચાર રાજય મળીને એક એક ટીમ  બનતી હોય છે. અને ઝોનલ ટીમનું સિલેકશન ખેલાડીઓના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને નેશનલ સિલેકશન કમીટી કરતી હોય છે. વેસ્ટ ઝોનની ટીમ મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજયોની ટીમોમાંથી એક ટીમ બનતી હોય છે.

વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી ભીમા ખૂંટી વેસ્ટઝોનની ટીમની કેપ્ટનશીપ પણ સંભાળશે તે ગુજરાતનું અને પોરબંદરનું ગૌરવ છે ભીમાભાઇ ખુંટીએ હાલમાજ  માત્ર પ૪ બોલમાં સદી ફટકારીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દેશ વિદેશમા઼ તેમણે કાન્ડાનું કૌવત બતાવીને ગુજરાત તથા ભારતનું નામ રોશન કર્યુ છે.

(1:27 pm IST)