Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જૂનાગઢમાં વેપારીઓ સાથે દાદાગીરી કરતા ‘ટારઝન' સામે પાસની કાર્યવાહીની માંગણી

મતદાન બહિષ્‍કારની વેપારીઓની ચિમકી

જૂનાગઢ તા.૧૧ : જૂનાગઢમાં વેપારીઓ સાથે દાદાગીરી કરતા ટારઝન નામના શખ્‍સ સામે પાસાની કાર્યવાહી કરવાની માંગણી કરીને મતદાન બહિષ્‍કારની ચિમકી આપી હતી.

જૂનાગઢમાં માંગનાથ રોડ પર આવેલ શ્રીરાજ કોમ્‍પલેક્ષમાં ડ્રેસીઝની દુકાન ધરાવતા નરેન્‍દ્રભાઈ મુલચંદાણીની દુકાનમાં બે દિવસ અગાઉ ખાડીયામાં રહેતો નિરજ ઉર્ફે ટારઝન નામનો શખ્‍સ આવ્‍યો હતો અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા.૩ હજારની કિંમતનો ડ્રેસ બળજબરીથી કાઢાવીને લઈ ગયો હતો. આ અંગે વેપારીએ ફરીયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ અગાઉ નિરજ ઉર્ફે ટારઝને દિવાળીના તહેવારમાં પણ વેપારીઓ પાસેથી ખરીદી કર્યા બાદ નાણા નહી આપીને માથાકુટ કરી હતી અને જો વેપારી માલ ન આપે તો દુકાન પાસે ફટાકડા ફોડીને વેપારીઓને હેરાન કર્યા હતા. તેમજ તમંચો બચાવી લૂંટ પણ કરી હોવાનુ  વેપારીઓએ જણાવ્‍યુ હતુ.

આ મામલે કલોથ એન્‍ડ રેડીમેઈડ એસો.ના ઉપપ્રમુખ હિતેષભાઈ સંઘવીની આગેવાનીમાં માંગનાથ રોડ ખાતેના વેપારીઓએ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીને ધીરજ ઉર્ફે ટારઝનના ત્રાસ અંગે તેની સામે પાસાની કાર્યવાહી કરવાની મૌખીક રજુઆત કરી હતી અને જો ઘટતુ કરવામાં નહીં આવે તો મતદાનનો બહીષ્‍કાર કરવાની વેપારીઓએ ચિમકી આપી હતી.

(1:18 pm IST)