Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબીમાં પુલ તુટવાની ઘટના કેસમાં રાજકોટના મુખ્ય જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની સ્પે. પી.પી. તરીકે નિમણુંક ?

જામનગરના ભૂમાફીયા જયેશ પટેલને સંડોવતા ગુજસીટોક કેસમાં પણ સ્પે.પી.પી. તરીકે એસ.કે.વોરાની નિમણુંક થયેલ

રાજકોટ, તા., ૧૧: તાજેતરમાં દિવાળીના તહેવાર દરમ્યાન મોરબીમાં બનેલા નવા ઝુલતા પુલની દુર્ઘટનામાં હોમાઇ ગયેલ ૧૩પ માનવ જીંદગીના મોત સંબંધે નોંધાયેલ ગુનામાં રાજકોટના મુખ્ય જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાની ગુજરાત સરકાર દ્વારા સ્પે. પી.પી. તરીકે નિમણુંક થયાનું આધારભુત વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે. દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ શ્રી વોરાની સ્પે. પી.પી. માટેની દરખાસ્ત કાયદા વિભાગમાં થયાનું જાણવા મળે છે અને તે બાબતે નિર્ણય લેવાઇ રહ્યાનું પણ આધારભુત વર્તુળો જણાવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મોરબીમાં વર્ષો જુનો મોરબીનો રાજાશાહી વખતનો ઝુલતો પુલ ફરીથી રીપેરીંગ કર્યા બાદ દિવાળીના તહેવારમાં ખુલ્લો મુકાયો હતો જે માત્ર પાંચ દિવસમાં તુટી પડયા ૧૩પ  જેટલા લોકોના મૃત્યુ નિપજેલ હતા.
આ બનાવ અંગે સમગ્ર ગુજરાતભરમાં ચુંટણી સમયે જ આ ઘટના બનેલ હોય હાહાકાર મચી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી.
આ બનાવ અંગે મોરબી પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેમાં કેટલાક લોકોની ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ કેસમાં હવે સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે રાજકોટ ના ડી.જી.પી. એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી છે.
આ બનાવ અંગે  ઓરેવા ગ્રુપના માલીક જયસુખ પટેલની મોરબી, રાજકોટ અને અમદાવાદની ઓફીસો અને રહેઠાણ પર તપાસ ચાલુ  છે ત્યારે રાજકોટના એડવોકેટ એસ કે વોરાની મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામા આવતા ભારે ચકચાર જાગી છે.
દિવાળીના તહેવારો દરમ્યાન થયેલી આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોરબી પોલીસે આ કેસમાં આરોપીઓને સજા અપાવવા માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક માટે ડીજીપી ઓફીસને વિનંતી કરી હતી.
એડવોકેટ વોરા જામનગરના ભૂમાફીયા જયેશ પટેલ સામેના ગુજસીટોક કેસમાં પણ પ્રોસીકયુટર છે. જે ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ લંડનમાંથી પકડાયો હતો. તેને ભારત લાવવા માટેની પ્રક્રિયા ચાલુ છે.
ઝુલતા પુલ દુર્ઘટનાના નવ આરોપીઓમાં ઓરેવા ગ્રુપના બે મેનેજર અને એક સદી જુના આ ઝુલતા પુલના મેઇન્ટેનન્સનો પેટા કોન્ટ્રાકટ મેળવનાર બાપ દિકરાના નામો સામેલ છે, જેમની ધરપકડ કરાઇ છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે જયસુખ પટેલની ઓફીસ અને રહેઠાણ પર અમે તપાસ કરી રહ્યા છીએ.  એફએસએલે   પ્રાથમિક રીપોર્ટ સબમીટ કર્યા પછી હવે પુલનો એક ટ્રક જેટલો ભંગાર વધુ તપાસ માટે લીધો છે. મોરબીના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાને પણ આ કેસમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

(12:02 pm IST)