Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

જામનગર ભારતીય જનતા પાર્ટીના ૭૮ અને ૭૯ વિધાનસભા વિસ્તારના ઉમેદવારોની શહેર ભાજપ કાર્યાલયમાં પરિચય બેઠક યોજાઈ

જામનગર જિલ્લાના સાંસદ- મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર શહેર ના બન્ને નવનિયુક્ત યુવા ચહેરાઓને આવકારાયા : જામનગર ઉત્તર-૭૮માં ચૂંટણીની ઇન્ચાર્જ તરીકે નિલેશભાઈ ઉદાણી: જ્યારે ૭૯- દક્ષિણ માટે મનીષભાઈ કટારીયા ની નિમણૂક કરાઈ

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૧, :     જામનગર ૭૮- વિધાનસભા વિસ્તાર તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શીર્ષ નેતૃત્વ દ્વારા આ વખતે યુવા ચહેરાઓને સ્થાન અપાયું છે, અને ૭૮- વિધાનસભા વિસ્તારમાં રિવાબા જાડેજા ની પસંદગી કરાઈ છે, જ્યારે ૭૯- વિધાનસભા વિસ્તારમાં દિવ્યેશભાઈ અકબરી ને ટિકિટ અપાઇ છે. જે બન્ને ઉમેદવારો ની પરિચય બેઠક શહેર ભાજપ કાર્યાલયમાં મળી હતી, જેમાં સાંસદ, મેયર સહિતના શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, અને સાફ છબી ધરાવતા યુવા ચહેરાઓને જંગી લીડથી ચૂંટીને બન્ને કમળ ગુજરાત વિધાનસભામાં પહોંચાડવા માટે ની સાંસદ દ્વારા હાકલ કરવામાં આવી હતી. સાથોસાથ બન્ને વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ની નિમણૂક પણ અપાઈ હતી.

 જામનગર મહાનગર મધ્યે, ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય, પંડિત દીનદયાલ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી ના ૭૮ અને ૭૯ ઉત્તર અને દક્ષિણ વિધાનસભા ના નવનિયુક્ત ઉમેદવાર શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા, તેમજ શ્રી દિવ્યેશભાઈ અકબરી ને વધાવવા તથા ભારતીય જનતા પાર્ટીના બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓ સાથે પરિચય કરાવવા એક બેઠક યોજવામાં આવી હતી.

 જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સાંસદશ્રી શ્રી પૂનમબેન માડમ, તેમજ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ૭૯ જામનગર વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી આર સી. ફળદુ , જામનગર મહાનગર પાલિકા ના મેયર શ્રી બીનાબેન કોઠારી, શહેર ભાજપ ના મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણીયા,વિજયસિંહ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા,

 ઉપરાંત જામનગર શહેર ભાજપ ના પૂર્વ અધ્યક્ષશ્રીઓ, શહેર સંગઠન ના હોદ્દેદારો, શિક્ષણ સમિતિ ના ચેરમેન, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ શહેર ભાજપ મોરચા ના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ વોર્ડ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ સાથે સિનિયર આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. 

આ બેઠક માં સાંસદશ્રી પૂનમબેન માડમે દરેક કાર્યકર્તાઓમાં એક નવો જોશ ભર્યો હતો,જેમણે તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે શહેર ની બન્ને સીટ પર યુવા, સાફ છબી ધરાવતા તેમજ મહિલા સશક્તિકરણ નો પણ સમન્વય જોવા મળે તે રીતે શ્રી દિવ્યેશભાઈ અકબરી અને શ્રીમતી રિવાબા જાડેજા ને ઉમેદવાર બનાવી ને સમગ્ર જામનગર ના સભ્ય સમાજ ને નવો સંદેશો આપ્યો છે, સાથે એમ પણ જણાવ્યું હતું કે આ બન્ને સીટો ભારતીય જનતા પાર્ટીએ ભારી બહુમતીથી જીતી લઇ ને ગાંધીનગર આ બે ભાવી ધારાસભ્યોને  કમળના રૂપે ગાંધીનગર મોકલવાના છે. કે જેની નોંધ ખુદ ગુજરાત ના પનોતા પુત્ર અને હિન્દુસ્તાન ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લઇ શકે.

શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે બન્ને ઉમેદવારોની પરિચય બેઠક યોજાયાની સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા હતા. જામનગર ૭૮- વિધાનસભા વિસ્તાર માટે સમગ્ર ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ૭૯ વિધાનસભા વિસ્તારના ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. અને તે બંનેની આગેવાનીમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી લેવાયા છે. તેમજ ઉમેદવારી પત્રો ભરવા સહિતના કાર્યક્રમોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

(11:50 am IST)