Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શિયાળુ પાકની મોસમનો પ્રારંભ : ઘઉં, ચણા વગેરેનું ૮.૪૧ % વાવેતર

ગયા વર્ષના હાલના સમય સુધીમાં ૧,૩૯,૧૭૨ હેકટરમાં વાવેતર થયેલ, આ વર્ષે ૩,૭૬,૨૩૯ હેક્‍ટરમાં: સૌરાષ્‍ટ્રમાં મુખ્‍ય પાક ઘઉં,ચણા

રાજકોટ,તા. ૧૧ : ગુજરાતમાં ખરીફ પાકની સંતોષકારક વાવણી અને ઉપજ થયા બાદ હવે ખેડૂતોએ રવિ (શિયાળુ) પાક તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. ગયા વર્ષે ૭ નવેમ્‍બરની સ્‍થિતિએ રાજ્‍યમાં શિયાળુ પાકનું જેટલુ વાવેતર થયેલ તેના કરતા આ વર્ષે ૭ નવેમ્‍બરની સ્‍થિતિએ અઢી ગણુ વધુ વાવેતર થયું છે. ઘઉં, ચણા, જુવાર, રાઇ, શેરડી, બટાટા, શાકભાજી, ઘાસચારો સહિત કુલ ૮.૪૧ ટકા વાવેતર થઇ ચુક્‍યુ છે. હજુ વાવેતર ચાલુ છે. અત્‍યારના આંકડાઓ મુજબ સૌથી વધુ વાવેતર ચણાનું થયું છે.સૌરાષ્‍ટ્રમાં મુખ્‍યત્‍વે ઘઉં, ચણા  ઉગાડવામાં આવે છે. અમૂક વિસ્‍તારોમાં શિયાળુ વાવેતર પુરૂ થઇ ગયું છે.

પિયત ઘઉંનું ૨૬૭૫૭ હેકટરમાં અને બિનપિયત ઘઉંનું ૬૨૧ હેકટરમાં મળી કુલ ૨૭૩૭૮ હેકટરમાં વાવેતર થયું છે. જુવારનું ૩૨૭૪ અને મકાઇનું ૨૭૧૩૬ હેકટરમાં વાવેતર કરવામાં આવેલ છે. રાજ્‍યમાં ચણાનું ૪૯૯૦૮ હેકટરમાં અને અન્‍ય કઠોળનું ૧૩૯૭૬ હેકટરમાં વાવેતર થઇ ચુકયુ છે. રાઇનું ૧,૧૮૫૪૬ હેકટરમાં વાવેતર થયું છે. તે ટકાવારીની દ્રષ્‍ટિએ ૪૮,૫૯ ટકા ગણાય છે. શેરડી ૨૮૯૦૬ હેકટરમાં વાવેતર પામી છે. જીરૂ ૩૮૬૬ અને ધાણા ૧૨૪૪૯ હેકટરમાં વાવવામાં આવેલ છે.

ઘઉં, ચણા જેવા પાક માર્ચમાં બજારમાં આવશે. જીરૂ,લસણ માર્ચ અંત અથવા એપ્રિલ પ્રારંભે બજારમાં દેખાશે. જે વિસ્‍તારમાં પાછોતરો વરસાદ સારો થયો છે. ત્‍યાં તળાવો, ડેમો, તળ વગેરેમાં પાણી હોવાથી રવિ પાક માટે વધુ અનુકુળતા રહેશે. વાવેતર પછી ઉપજની ગુણવતા અને પ્રમાણમાં પાણી ઉપરાંત કુદરતી વાતાવરણ નિર્ણાયક રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના સઘળા ખરીફ પાકોનું વાવેતર ૯૯.૩૪ ટકા થયું હતું. (૨૨.૧૨)

મહતમ વાવેતર કયા પાકનું ?

પાક         હેકટર

ઘઉં પિયત  ૨૬૭૫૭

જુવાર       ૦૩૨૭૪

ચણા        ૪૯૯૦૮

રાઇ         ૧,૧૮,૫૪૬

શેરડી       ૦૨૮,૯૦૬

ધાણા        ૦૧૨૪૪૯

મકાઇ  ૦૨૭૧૩૬

(11:23 am IST)