Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જૂનાગઢના મુકિતદિનનાં પર્વ પ્રસંગે આરઝી હકુમતના સેનાનીને શ્રધ્ધાંજલી

આરઝી હકુમતના ગુપ્તચર કમાન્ડર સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગની જૂનાગઢમાં થયેલ નામકરણવિધિ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૧૧ :. જૂનાગઢ જિલ્લાના બિલખા ગામના વતની અને દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમના ધર્મપત્નિ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની આઝાદીની લોકક્રાંતિ અને ચળવળોમાં મહત્વનું યોગદાન તેમજ જૂનાગઢ આરઝી હકુમતમાં પણ ખૂબ જ મહત્વની જવાબદારી અદા કરી અને જૂનાગઢને આઝાદી અપાવવામાં યોગદાન આપનારા વિર આરઝી હકુમત સૈનિકોની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ શહેરમાં ૯મી નવેમ્બરના આઝાદ દિન પર્વ પ્રસંગે આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટ હાઉસ સુધીના માર્ગને આરઝી હકુમતના સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગની નામકરણવિધિનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો.

જૂનાગઢ તેમના મુકિતદિન પ્રસંગે તેમજ આરઝી હકુમતના નામી-અનામી સેનાનીઓને શ્રધ્ધાંજલી આપવા માટેનો એક કાર્યક્રમ આજે સવારે બહાઉદ્દીન કોલેજ ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજો કાર્યક્રમ આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કિટ હાઉસ માર્ગને જૂનાગઢ મનપા દ્વારા આરઝી હકુમતના સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ એવુ નામ આપવામાં આવેલ તેની નામકરણવિધિ કરવામાં આવેલ હતી. જૂનાગઢ મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર તેમજ મનપાના પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ મેયર આદ્યશકિતબેન મજમુદાર, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સંજયભાઈ કોરડીયા, મોહનભાઈ પરમાર, મનપાના કમિશ્નર રાજેશ તન્ના, પલવીબેન ઠાકર તેમજ પદાધિકારીઓ, કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં તેમજ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમજ સબ એડીટર જગડુશા નાગ્રેચા વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલના હસ્તે આરઝી હકુમતના સેનાની દુર્લભજીભાઈ નાગ્રેચા નામની નામકરણવિધિ કરવામાં આવી હતી. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલે આરઝી હકુમતના ગુપ્તચર કમાન્ડર અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા તેમના ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાની દેશની આઝાદીની ચળવળમાં યોગદાન તેમજ આરઝી હકુમતમાં કરેલી કામગીરી અંગેની વિગતો આપી હતી. અને ઉપસ્થિત સૌએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી અને નાગ્રેચા પરીવારનાં આપ્તજન વડીલ અને મોભી એવા શ્રી કાર્તિકભાઇ ઉપાધ્યાયએ આ તકે મેયરશ્રી સહિત કોર્પોરેશનનાં સૌ અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે નાગ્રેચા પરીવાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર સાથે વર્ષોથી જોડાયેલ છે. અને અમારા એક પરીવારનાં સભ્ય તરીકે જયારે આ જ પરીવારનાં સ્વાતંત્ર્ય સેનાનીનાં નામ ઉપરથી જયારે નામકરણવિધી જૂનાગઢમાં કરવામાં આવી છે એ અમારા સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર અને નાગ્રેચા પરીવાર માટે ગૌરવની વાત છે. આ તકે ફરી એકવાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

(1:16 pm IST)