Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ખંભાળીયામાં પૂ.જલારામ બાપા જન્મ જયંતીની ભકિતભાવ પુર્વક ઉજવણી

જલારામ મંદિરને અનેરા શણગાર વડે સુશોભીત કરાયું: સાંજે શોભાયાત્રા તથા પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૧: સંત શિરોમણી પુજય જલારામ બાપાની રરર મી જન્મજયંતી નિમિતે ખંભાળીયામાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતી પ્રસંગે આજે સવારથી અહીના જલારામ મંદિર ખાતે ભકતોની ભીડ જોવા મળી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરને અનેરા સાજ શણગાર વડે સુશોભીત કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જલારામ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા તથા આરતી અને દર્શન માટે મોટી સંખ્યામાં જલારામ ભકતો ઉમટી પડયા હતા. આ ઉપરાંત અહીના અંજલી કૌશીકભાઇ દાવડા, જાહન્વી વિમલભાઇ દાવડા તથા કિંજલ ભાવેશભાઇ દાવડા દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત જલારામ જયંતી પ્રસંગે દર વખતની જેમ આ વખતે પણ અન્નકુટ ઉત્સવ તથા નુતન ધ્વજારોહણ સહીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

'દેને કો ટુકડા ભલો, લેને કો હરીનામ' થી વિશ્વ વિખ્યાત બનેલા સંત શિરોમણી પુ.જલારામ બાપાની સુંદર સુશોભીત શોભાયાત્રા આજ રોજ સાંજે ચાર વાગ્યે અહીના જલારામ મંદિર ખાતેથી નીકળશે અને જુદાજુદા માર્ગો પર ફરી અને અત્રે જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. અહી સાંજે જ્ઞાતિજનોને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવયું છે. ખંભાળીયા લોહાણા મહાજનના નેજા હેઠળ અહીના યુવા કાર્યકરોની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ માટે નોંધપાત્ર જહેમત કાબીલેદાદ બની રહી છે.

(12:52 pm IST)