Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરથી વધુ ૨ ડ્રગ્સ કન્સાઇમેન્ટ પાર પાડવા તરફ ઇશારો

દેશહિત માટે સાગરકાંઠા ઉપર નજર રાખતા ડેન્જર ચાર્લી તથા રોબર્ટ રોઝીના સર્વે ઉપરથી તારણ : ડ્રગ્સ માફિયાઓએ જખૌ કાંઠાને સેન્ટ્રલ પોઇન્ટ બનાવ્યું?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ : ખંભાળીયા પાસે ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ સૌરાષ્ટ્ર દરિયાકાંઠા ઉપરથી ડ્રગ્સના વધુ ૨ કન્સાઇમેન્ટ પાર પાડવાની રાહમાં ડ્રગ્સ માફિયાઓ હોવાનો ઇશારો દેશ હિત માટે સાગરકાંઠા ઉપર નજર રાખીને સમયાંતરે એલર્ટ કરતા ડેન્જર - ચાર્લી અને રોબર્ટ રોઝીના સર્વે ઉપરથી થયેલ છે.

ખંભાળિયા પાસે ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ વધુ ૨ ડ્રગ્સ કન્સાઇમેન્ટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી પાર પાડવાની રાહમાં ડ્રગ્સ માફિયાઓ તૈયાર હોવાનો ઇશારો ડેન્જર - ચાર્લી અને રોબર્ટ રોઝીના સર્વે ઉપરથી કરાયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરથી ડ્રગ્સના કન્સાઇમેન્ટ પહેલા સોના - ચાંદીની દાણચોરી તથા ચરસ ગાંજો ઘુસાડવામાં આવતા હતા. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કન્સાઇમેન્ટ શરૂ થયેલ છે. સફેદ રંગના ડ્રગ્સના પાંચ નામો છે. જેમાં એક નામ ગુપ્ત છે. પાંચ પ્રકારના ડ્રગ્સમાં હેરોઇન, કોકીન હસીસ અત્યાર સુધીમાં પ્રખ્યાત હતા ત્યારપછી મેથાએમફેરા નામ બહાર આવ્યું તેમજ એક નામ હજુ ગુપ્ત રાખેલ છે.

એક વહાણવટીના જણાવ્યા મુજબ જખૌથી અફઘાનિસ્તાન પહોંચતા માત્ર ૬ કલાકનો જળમાર્ગનો રસ્તો છે. આજે આધુનિક સ્પીડવાળી બોટ આવી ગઇ હોવાથી માત્ર ઓછા સમયમાં જખૌથી અફઘાનીસ્તાન પહોંચી જવાય છે.

સૌરાષ્ટ્ર કાંઠા ઉપર ઝડપાતા ડ્રગ્સ કન્સાઇમેન્ટ અંગે ડેન્જર - ચાર્લી તથા રોબર્ટ રોઝી સમયાંતરે સુરક્ષા વધારવા ઇશારો કરી દયે છે અને મોટાભાગે તથ્ય સાબિત થાય છે તેવી ચર્ચા છે.

ડ્રગ્સ કન્સાઇમેન્ટમાં મુખ્ય સૂત્રધાર રાજકીય સાથે સંકળાયેલ હોવાની પણ ચર્ચા છે. દરિયાઇ જળસીમાએ કાયદાની વિચિત્ર જોગવાઇથી સુરક્ષા એજન્સીઓને ઓપરેશન હાથ ધરતા પહેલા વિચારવું પડે છે. કેમકે ગુન્હા દાખલ થયા બાદ કેસ સાબિત ન થાય તો ગુન્હો દાખલ કરનાર સામે કાર્યવાહી થઇ શકે તેવું કહેવાય છે.

જામસલાયા કાંઠા ઉપર છે જેનો લાભ જાણકારો ઉઠાવી લ્યે છે. ૧૯૫૬થી સોનાની દાણચોરી અને ત્યારપછી ચાંદીની દાણચોરી વધી હતી. જે તે સમયે દાણચોરીમાં હાજી તાલબ, હાજી ઇસ્માઇલ કરીમ દાદા, ઇશાક શેઠ, જુમ્મી ઇજૂ શેખ (કચ્છ)ના નામો ખુલ્યા હતા. સલાયા કાંઠે અગાઉ સોનાના ૨ કન્સાઇમેન્ટ પકડાયા હતા.

(12:51 pm IST)