Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સાવરકુંડલા રઘુવંશી સમાજ દ્વારા પૂજય જલારામબાપાનાં પ્રાગટયોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી

શહેરમાં પૂજય જલારામબાપાની ભવ્ય શોભાયાત્રા ફરી...

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૧ :.. જયા ટૂકડો ત્યા હરિ ઢુકડો ના મંત્રને સાર્થક કરનાર પૂ. જલારામબાપાની રરર મી જન્મ જયંતિની સાવરકુંડલાનાં રઘુવંશી સમાજ દ્વારા ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

અહીં જલારામ સત્સંગ મંડળ દ્વારા પૂજય બાપાના મંદિરે દિવસભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૬ કલાકે મંગળા આરતી -૭ કલાકે પૂજન-અર્ચન-૮ કલાકે ધ્વજારોહણ ૯ કલાકે, ભવ્ય શોભાયાત્રા-૧ર-૩૦ કલાકે રાજભોગ, આરતી બપોરે સંત ભોજન - સાંજે પ થી ૮ અન્નકુટ દર્શન અને ૭ કલાકે સાયં આરતી યોજાયા હતાં. તો લોહાણા મહાજન વાડી ખાતે સાવરકુંડલા લોહાણા મહાજન દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ અને પૂજયબાપાના શ્રધ્ધાળુઓ માટે બન્ને ટાઇમ ભોજન પ્રસાદનું આયોજન કરાયુ હતું. સવારે નવ કલાકે પૂજયબાપાનાં મંદિરેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઇ શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરી ગુરૂ સ્થાન પૂજય ભોજલરામબાપાના મંદિરે સંપન્ન થઇ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રઘુવંશીભાઇ - બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. શહેરમાં રઘુવંશી પરિવારોએ ઘેરે ઘેર રંગોળી પુરી ઉજવણી કરી હતી, જોગાનુજોગ આજે ગુરૂવારના રોજ જ પૂજય બાપાની જન્મ જયંતિ હોય જલારામબાપાના ભકતોમાં ઉત્સાહના ઘોડાપુર ઉમટયા હતાં. રાત્રે મંદિર ખાતે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

(12:46 pm IST)