Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જામનગર જિલ્લામાં ૫૦ કરોડની સહાય ચુકવાઇ

૧૫,૦૦૦ ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ લેવા અનુરોધ

જામનગર તા. ૧૧: ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિના કારણે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ કૃષિ રાહત પેકેજની સહાય મેળવવા માટે ૨૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જામનગર જિલ્લામાં પેકેજમાં જાહેર થયેલ ગામો પૈકીના અંદાજિત ૧૫,૦૦૦ જેટલા ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે, તો બાકી રહેતા ખેડૂતો સત્વરે રજીસ્ટ્રેશન કરાવી લે તથા જે ખેડૂત મિત્રો દ્વારા VCE પાસે ઇ-ગ્રામ સેન્ટર પર અરજી જમા કરાવેલ છે અને અરજી ફોર્મમાં સહીઓ બાકી છે તેવા ખેડૂતો સત્વરે સંબંધિત ગ્રામ સેવકનો સંપર્ક કરી અરજી પર સહી કરાવી લે, જેથી તત્કાળ ચૂકવણાની કામગીરી હાથ પર ધરી શકાય. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૮૨%  ઉપરાંતના ખેડૂતોએ રાહત પેકેજ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલ છે બાકી રહેતા ખેડૂતો માટે ૨૦ નવેમ્બર ૨૦૨૧ અંતિમ તારીખ હોય જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા સત્વરે ગ્રામ સેવકનો સંપર્ક કરી સહાય મેળવવા અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ પેકેજનો લાભ મેળવવા ખેડૂતોએ નિયત અરજી પત્રક નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમુના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, આઈ.એફ.એસ.સી(IFSC)કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાંની નકલ, સંયુકત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો 'ના-વાંધા અંગેનો સંમતિપત્ર' જેવી સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમુનામાં અરજી ૨૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર VCE/VLE  મારફત ઓનલાઈન કરવાની રહેશે. ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈ ચુકવણું કરવાનું રહેશે નહીં. ત્યારબાદ અરજીની પ્રિન્ટ આઉટ લઇ લાભાર્થી ખેડૂતની સહી તથા ગ્રામ સેવકએ પણ સહી કરવાની રહેશે. મળેલ અરજી સંબંધિત ગ્રામ સેવક દ્વારા યોગ્ય ચકાસણી કરી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે. વિગતોની ચકાસણી બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી ઓનલાઇન મોકલી અને અરજીને રેકોર્ડમાં લેવામાં આવશે વેરિફિકેશન બાદ લાભાર્થીને આ સહાયનું ચુકવણું કરવામાં આવશે.

આ માટે અરજદાર લેન્ડ રેકોર્ડ મુજબ ખાતાધારક હોવો જોઈએ, સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ એક લાભાર્થી તરીકે ગણવામાં આવશે. જેમાં ૮-અ દીઠ સહાયનો લાભ એકવાર આપવામાં આવશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજુ કરવાનું રહેશે, પેઢીનામાં પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામાં પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ૬ તાલુકા અને શહેરના એમ કુલ ૯૫૫૯૪ જેટલા ખેડૂતો કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાહત મેળવવાની પાત્રતા ધરાવે છે, જેમાંના ૮૦,૩૮૧ જેટલા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ છે અને અરજી કરેલ ખેડૂતોમાંના અનેકને પંચાયત દ્વારા સહાય આપી પણ દેવામાં આવી છે. આમ, કૃષિ રાહત પેકેજ અંતર્ગત હાલ સુધીમાં જામનગર જિલ્લામાં ૫૦ કરોડ જેટલી સહાયનું ચુકવણું કરવામાં આવેલ છે ત્યારે અન્ય બાકી રહેતા પાત્રતા ધરાવતા ખેડૂતો પણ આ પેકેજનો લાભ લઇ સહાય મેળવવા અરજી કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

(12:12 pm IST)