Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મોરબીના મહિલા મુંબઇ ગયા અને કોરોનાગ્રસ્ત થયા : વધુ એક કેસ

સતત બીજા દિવસે એક પોઝીટીવ : આરોગ્ય વિભાગ એલર્ટ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૧: મોરબી જિલ્લામાં સવા ત્રણ મહિના શાંત પડેલો કોરોના હવે દિવાળી પછી સક્રિય થઈ ગયો છે. ગઈકાલે એક કેસ આવ્યા બાદ આજે ફરી વધુ એક કેસ નોંધાયો છે. જેમાં એક મહિલા મુંબઈ ફરવા ગયા હતા અને ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

મોરબી શહેરમાં રહેતા ૪૦ વર્ષના મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ દિવાળીના તહેવારો માં મુંબઈ ગયા હોઈ ગત તા.૮ ના રોજ મુંબઈ થી મોરબી પરત આવ્યા હતા. બાદમાં તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ છે.આ દર્દીએ કોરોના વેકિસન નો પ્રથમ ડોઝ લીધેલ છે. બીજો ડોઝ લેવાનો બાકી છે.

મોરબી જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોનાએ ફરી માથુ ઊંચકયું છે.રવાપર ગામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાં ફરી મોરબી શહેરમાં રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માટે હવે મોરબી જિલ્લાના લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે.

કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેકિસનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

પીપલ્સ પ્લાન કેમ્પેઇન અંતર્ગત ગ્રામસભાઓ

ચાલુ વર્ષે પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન (GDP) તૈયાર કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કામગીરી માટે સબંધિત વિભાગોને વિવિધ યોજનાઓમાં સમાવેશ કરીને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ અંતર્ગત સર્વગ્રાહી પ્લાન બનાવવા આવશે.

આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ગ્રામસભાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી સંબંધિત વિભાગની યોજનાની ગ્રામસભામાં માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જણાવેલ તમામ કાયમી મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે.

ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબી શહેરના જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરમાં તા.૧૪ રવિવારના રોજ નિૅંશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

આ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં ૧૫૦૦ થી વધુ દર્દીઓએ સફળ સારવાર રાહતદરે લીધેલ છે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુખાવો, ફેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, કમ્પવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ કેંસરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલા પછીની કસરતો તથા વજન ઘટાડવું જેવી સમસ્યાના દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પમાં ફાઇલ એકસરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.કેમ્પમાં સામેલ દર્દીઓને ભેટ આપવામાં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨૮૨૪૫૬, ૯૮૯૮૬ ૪૫૬૭૦ પર સંર્પક કરવો.

(11:26 am IST)