Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સૌરાષ્ટ્ર -કચ્છમાં ગામે-ગામ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

વિરપુરમાં પૂ.જલારાબાપાની જન્મજયંતિની ઉજવણી : ભાવિકોની લાઇનો

કોરોના-લોકડાઉન બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા : ગાદીપતિ પૂ. રઘુરામબાપાની આગેવાનીમાં પૂજન-અર્ચન

વિરપુર (જલારામ) ખાતે આજે સવારથી પૂ.જલારામબાપા જન્મજયંતિ નિમિતે ભાવિકો ઉમટ્યા છે અને દર્શન,પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ),કિશન મોરબીયા વિરપુર (જલારામ)

રાજકોટ,તા. ૧૧ : ભૂખ્યાને ભોજન પીરસીને ભગવાનને રીજવનાર સંત સિરોમણી જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અદમ્ય ઉત્સાહ વ્યાપ્યો છે. આજે સવારથી પૂજન-અર્ચન, આરતી, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ તેમજ બુંદી-ગાંઠીયાનું વિતરણ, રાત્રે ધુન-ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ સાથે જલારામ ઝુંપડીના દર્શન પણ ઉભા કરાશે. રઘુવંશી સમાજ દ્વારા જલારામ બાપાનો જન્મોત્સવ ઉજવવા તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. વીરપુર ધામ સમગ્ર જલારામમય બની ગયું છે.

સૌરાષ્ટ્રભરમાં સંત સિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવા થનગનાટ છે. આજે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ જીવન મંત્ર પચાવી જાણનાર સંત જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિ અંતર્ગત વિવિધ શહેરો, ગામમાં ધર્મમય આયોજન કરાયા છે. જેમાં પૂજા, અર્ચના સાથે મહાઆરતી, ધ્વજારોહણ, અન્નકૂટ દર્શન, શોભાયાત્રા, રાસોત્સવ, મહાપ્રસાદ સાથે સાંસ્કૃતિક, સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયા છે.

વિરપુર (જલારામ)

વિરપુર (જલારામ) : ભજન, ભોજન, ભકિતના ત્રિવેણીના સંગમ સમા યાત્રાધામ વિરપુરમાં જલારામબાપાન જન્મજયંતિ આસ્થા, શ્રધ્ધાભેર ઉજવાશે. લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ૧૪ વર્ષથી સુરતના ગભેણી ગામથી આવતો સંઘ વીરપુર પહોંચ્યો છે. જેઓએ જલારામબાપાની ધુન સાથે દર્શન કર્યા હતા. ગ્રામજનો દ્વારા ૨૨૨ કિલોની કેક શોભાયાત્રામાં ધરીને ભાવિકોને પ્રસાદરૂપે અપાશે. ધર્મધ્વજાના લાલ, પીળા, સફેદ રંગની આ કેક સેવાભાવી યુવાનોએ તૈયાર કરી હતી.

જયાં ટુકડો ત્યા હરિ ઢુકડો અને દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે ત્યારે જલારામ બાપાના ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ અને વિદેશ માંથી બાપાના ભકતો વીરપુરમાં ઉમટી પડ્યા છે,સવારથી જ બાપાના દર્શન કરવાં માટે ભાવિકોની કતારો લાગી છે અને બાપાની જન્મ જયંતી ઉજવવા માટે થનગની રહ્યા છે વીરપુર ગામમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે, વીરપુર ના દ્યરે દ્યરે રંગોળી કરી ને દિવાળી જેવો માહોલ ઉભો થયો છે, પૂજય જલારામબાપામાં અપાર શ્રદ્ઘાને લઈને ભકતો પણ બાપાને પ્રાર્થના કરીને લોકોના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી હતી.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ કોડીનાર તાલુકા લોહાણા સમાજ અને વિવિધ મંડળ ના ઉપક્રમે સંત શિરોમણી જલારામબાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ ધાર્મિક માહોલ માં ધામ ધૂમ થી ઉજવશે.

સવારે ૯ કલાકે બાપા ની શોભાયાત્રા લોહાણા મહાજન વાડી જલારામ મંદિરે થી નીકળી ગામ ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ સવારે ૧૧ કલાકે જલારામ મંદિર પહોંચશે ...જયાં આરતી બાદ સાધુ ભોજન અને સમૂહ પ્રસાદ યોજાશે .સાંજે અન્નકૂટ દર્શન,મહા આરતી .બાદ ખીચડી પ્રસાદ યોજાશે તેમજ રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જલારામ ભકતો ને બધા કાર્યક્રમો માં ઉપસ્થિત રહેવા.લોહાણા મહાજન કોડીનાર એ અખબારી યાદી માં જણાવાયું છે.

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ પુ. જલારામબાપાની ૨૨૨ જન્મ જયંતિ નિમીતે આજે સવારે ૯ વાગ્યે જલારામ મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જેમાં લોહાણા આગેવાનો તથા કાર્યકરો જ્ઞાતિજનો અને શહેરના ધર્મપ્રિય ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જલારામ મંદિર ખાતે સાંજે ૪ વાગ્યે અન્નકુટના દર્શન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતુ. તથા ૬ વાગ્યે તમામ રદ્યુવંશી તથા દરેક જ્ઞાતિના જલારામ ભકતો માટે મહાપ્રસાદીનું આયોજન શ્રી જલારામ મંદિર, કેશોદ ખાતે કરવામાં આવેલ છે.

જલારામ જયંતી નિમીતે ગઈકાલ સાંજે જલારામ મંદિરથી શહેરના રાજમાર્ગો પર સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ.

(11:25 am IST)