Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સૌને સાથે લઈને ચાલ્યો છું, એટલે સી.એમ. છું, નિષ્ઠાથી કામ કરજો નરેન્દ્રભાઈ બધું જુએ છે : ભૂપેન્દ્રભાઇ પટેલ

કચ્છમાં રમૂજ સાથે મુખ્યમંત્રીની માર્મિક ટકોર સીએમ બન્યા પછી જલસા નથી કરવાના પણ કયાંક જવાબ આપવા પડે છે, ભૂલ થાય તો પરસેવો વળે છે : કાર્યક્રમમાં નર્મદાના પાણી, શિક્ષકો અને વીજ કર્મચારીઓની ઘટ, બિસ્માર રસ્તાઓ અંગે આગેવાનોની રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : વિધાનસભા ચૂંટણીના વિઝન ૨૦૨૨ ને ધ્યાને રાખીને ભાજપે શરૂ કરેલી તૈયારીના ભાગ રૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છથી ૧૬ જિલ્લાના સ્નેહમિલન કાર્યક્રમનો પ્રવાસ શરૂ કરી દીધો છે.

ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કર્યા બાદ તેઓ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી કાર્યકરો સાથે વ્યાપક સંપર્ક કરે તેવું આયોજન ગોઠવાયું છે. ગઇકાલે કચ્છ જિલ્લામાં પણ ખૂણે ખૂણેથી આવેલા ભાજપના કાર્યકરો ઉમટી પડતાં મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. નિયત સમય કરતાં બે કલાક મોડા પડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાર્યક્રમમાં આવ્યા ત્યારે તમામ ખુરશીઓ સાથે બેઠક વ્યવસ્થા ફૂલ થઇ જતાં કાર્યકરો ઊભા થઈ ગયા હતા અને થોડી વાર અવ્યવસ્થા સર્જાઈ હતી.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ પોતાની લાક્ષણિક રમૂજ ભરી શૈલીમાં સબોંધન કરતાં જણાવ્યું હતું કે, મંચ પર બેઠેલા મોટા થઈ ગયા છે. મારે તમને કાર્યકરોને મોટા કરવાનું કામ કરવું છે. મે જોયુ છે કે, કાર્યકરો મુશ્કેલી વેઠી દૂરથી આવે છે, તમારા કાર્યકરો થકી જ અમને સત્ત્।ા મળી છે.

ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલી માર્મિક રાજકીય ટકોરમાં જણાવ્યું હતું કે, હું બધાને સાથે રાખીને ચાલુ છું, એટલે મને મુખ્યમંત્રી તરીકે બેસાડવામાં આવ્યો છે. અમે જલસા કરીએ છીએ એવું નહીં સમજતાં, અમને પણ જવાબ આપવા પડે છે, ભૂલ થાય તો પરસેવો વળી જાય છે. મને કામ કરવાનીસોંપાયેલી જવાબદારીમાં કયાંય ભૂલ થાય તો કાર્યકર તરીકે મારું ધ્યાન દોરજો. નિષ્ઠાથી પક્ષનું કામ કરજો, નરેન્દ્રભાઈ બધું જ જુએ છે.

સરકાર અને સંગઠન વચ્ચેનું અંતર દૂર કરતાં મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું કે, તમારા કોઈ પણ કામ હોય તો ગમે તેટલા આવજો, ગાંધીનગરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. હું નિષ્ઠાથી કામ કરવા તત્પર છું. નર્મદાના પાણી માટેની વહીવટી મંજુરી સાથેના કચ્છના જે કંઈ પડતર કામો છે, તે તમામ થઈ જશે. ધરપત રાખજો. જોકે, બીજી કોઈ પણ મોટી જાહેરાતો કરવાને બદલે મુખ્યમંત્રીએ રમૂજ અને નિખાલસતા સાથે ભાષણ કરી કાર્યકરો સાથે સેતુ સાધવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહિરે કચ્છમાં શિક્ષકોની ઘટને ધ્યાને લઇ નવા શિક્ષકોની નિયુકિત બાદ ૧૦ વર્ષ જિલ્લા ટ્રાન્સફર ઉપર રોક લગાવવા, નવા વીજ કર્મચારીઓની ભરતી બાદ ૫ વર્ષ જિલ્લા ટ્રાન્સફર ઉપર રોક લગાવવા જણાવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ પ્રવાસન ક્ષેત્રે કચ્છના વિકાસને નમૂના રૂપ ગણાવ્યો હતો અને નર્મદાના પાણીની વહીવટી મંજૂરીની વાત દોહરાવી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બિસ્માર રસ્તાઓ રિપેર કરવા નર્મદાનું પાણી છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

કચ્છના પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કચ્છના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાલતા ૫ ડ્રીમ પ્રોજેકટો નું કામ ટુંક સમયમાં પૂરું થઈ જશે. કચ્છમાં પ્રવાસનની તકો હજી વધશે. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કચ્છ જિલ્લામાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા હોવાનું જણાવી બાકી રહેલા કામો પણ ઝડપથી પૂર્ણ થશે એવી આશા વ્યકત કરી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, તેજ ગતિએ આગળ વધતા ગુજરાતમાં ભાજપને ફરી જનાદેશ મળશે.

કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીનું સનમાન કરાયું હતું. તો, કોરોના દરમ્યાન સેવા કરનાર સામાજિક સેવાભાવીઓ પ્રબોધ મુનવર, કિરણ ગણાત્રા, નવીન આઇયા, ગજુભા જાડેજા, હેમેન્દ્ર જણસારી, ડો. અશોક ત્રિવેદીનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. સંચાલન અનિરૂદ્ઘ દવે, વ્યવસ્થા મીડિયા ઇન્ચાર્જ સત્વિકદાન ગઢવી, અનવર નોડે, કેતન ગોરે સાંભળી હતી. યુવા ભાજપના તાપસ શાહ, જગત વ્યાસ, અજય ગઢવી, અશોક પટેલ આયોજનમાં સાથે રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના અલગ અલગ ક્ષેત્રના ચુંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ, વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૬)

મહેસુલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી આજે કચ્છમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : મહેસુલમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી આજરોજ તા. ૧૧ના રોજ કચ્છ જિલ્લાના એકદિવસીય પ્રવાસે છે.

તેઓ સવારે ૧૦.૩૦ કલાકે અબડાસા તાલુકાના ડુમરા ગામે જવાહર નવોદય વિદ્યાલય ખાતે ૧૮૨ ખેડૂતોને સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદની સોંપણીના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૫.૦૦ કલાકે દેશદેવીમા આશાપુરાના દર્શને માતાના મઢ ખાતે જશે. સાંજે ૧૭.૦૦ કલાકે નખત્રાણા ખાતે સમસ્ત બ્રહ્મસમાજવાડી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મહેસુલ મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન કચ્છ પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમની સાથે ઉપસ્થિત રહેશે.

(10:13 am IST)