Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભાઈબીજના પર્વે માધવપુરમાં સમુદ્ર સ્નાન ન કરવા તંત્રની સૂચના

સલામતીની તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સૂચના

પોરબંદરઃ જિલ્લાના માધવપુર ઘેડ ખાતે માધવરાયનું મંદીર આવેલું છે અને દરિયામાં સ્નાન કરવા માટે ભાઈબીજના દિવસે ભાવિકો ઉમટી પડતા હોય છે. માધવપુર ગામ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થળ છે. માધવપૂર દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.

શ્રદ્ધાળુઓ અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય ખાતેથી માધવપૂરના દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે આવી પહોંચે છે અને હજ્જારોની સંખ્યામાં ભાવિકો અહીં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. મથુરા ખાતે સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, તેટલું જ પુણ્ય માધવપૂરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાથી મળે છે તેવી શ્રદ્ધા રાખી દર વર્ષે ભવિકોનું માનવ મહેરામણ માધવપુર ખાતે ઉમટી પડે છે.

આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પણ લોકોએ ભીડમાં ન રહેવું જોઈએ. આમ સલામતીની તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ભાઈબીજના દિવસે ભાવિકો માધવપુરના સમુદ્રમાં સ્નાન ના કરે તેવી લોકોને સૂચના આપી છે.

 

(12:54 am IST)