Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાવરકુંડલા : કોંગ્રેસના હોદ્દેદારો રાજીનામા આપશે તો કાર્યકરોમાં હતાશા - નિરાશા છવાશે

અમિતભાઇ ચાવડાને પત્ર પાઠવતા માનસી શાહ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૧ : અમિતભાઇ ચાવડાને પત્ર પાઠવીને માનસીબેન શાહે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની પેટચૂંટણીમાં જનતાના જનાદેશને આપણે સ્વીકાર્યો, જે કંઈ પરિણામ આવ્યા તેના કારણે આપ રાજીનામું આપશો એવું કયાંક સમાચારમાં જોયું, આપ પોતાના દરેક કાર્યને ઘણી ગંભીરતાથી લેતા હોવ છો અને એવામાં જયારે પરિણામો આપણી આશાઓ કરતા તદ્દન વિપરીત આવ્યા હોય ત્યારે આપ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવો તે પણ સ્વાભાવિક છે, પરંતુ આ પરિણામ માટે માત્ર ને માત્ર શું તમે જ જવાબદાર છો ? કહેવત છે કે મારી ખાય ભગલો અને જશ ખાંટે જગલો એવી જ હાલત આપણે ત્યાં છે. પક્ષ માટે સર્વસ્વ આપી નિષ્ઠાથી કામ કરનારા તમારા જેવા નેતાને ગત વર્ષે આવા સમયે ૩ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત ટાણે કે નગરપાલિકાઓ ભાજપ જોડેથી આંચકી ત્યારે કોણ જશ આપવા આવેલું?

જવાબદારીના ભાગરૂપેજો આપ રાજીનામું આપતા હોય તો ગુજરાત કોંગ્રેસનું કેહવાતું શીર્ષ નેતૃત્વ પણ એટલું જ જવાબદાર છે અને એટલે એમણે પણ રાજીનામું આપવું જોઈએ.

જો પ્રદેશનું શીર્ષ નેતૃત્વ રાજીનામું આપે તો આ ઉમેદવારો માટે જે નેતાઓ કે પક્ષના આગેવાનો ટિકિટની ભલામણ (કે પછી હઠ) કરી હોય તે તમામ નેતાઓ રાજીનામું આપે.

જો આપ રાજીનામું આપતા હોય તો વિધાનસભા દીઠ જે નેતાઓને પ્રદેશ સમિતિ દ્વારા વિધાનસભાનો તમામ પ્રભાર સોંપવામાં આવ્યો હતો તે તમામ પ્રભરીઓ એ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

હાર જીત રાજકારણનો એક ભાગ છે, પ્રદેશ કોંગ્રેસને આપના જેવા પ્રમુખની અને નેતૃત્વની આવનારા સમયમાં વધારે જરૂર પડવાની છે, જવાબદારી સૌની હોય માત્ર એકની નહીં. આપનું રાજીનામુ કાર્યકરોમાં હતાશા અને નિરાશા ભરવાનું કામ કરશે. આવા સમયે આપનું રાજીનામાં વિશે વિચાર કરવો પણ અયોગ્ય છે. હું અને મારા જેવા લાખો કાર્યકરો ગમે તેવા કપરા સમયમાં પક્ષ અને આપની સાથે છે અને મને વિશ્વાસ છે કે આપણે આપણાં ગુજરાતને જલ્દીથી આઝાદ કરાવીશું.

આપ પ્રમુખ તરીકે અમને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડતા રહો તે જ અમારી માંગણી છે, તેમ માનસીબેન શાહે પત્ર પાઠવેલ હતો

(12:42 pm IST)