Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કચ્છમાં ખાનગી કંપનીઓને અપાયેલ જમીનોના લીધે સુરક્ષા સહિતના મુદ્દે અમિતભાઇને રૂબરૂ મળવા સમય માંગ્યો

ભુજના સામાજીક આગેવાનોએ પત્ર પાઠવીને રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ :.. દેશના ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહ તા. ૧૧ અને ૧ર નવેમ્બરના કચ્છ જીલ્લાની સરહદી વિસ્તાર ખાવડા, ધોરડો સહિતના વિસ્તારની સીમા સુરક્ષા સહિતના પ્રશ્ને રૂબરૂ મુલાકાતે આવનાર છે ત્યારે કચ્છ સ્થિત પાકિસ્તનની આંતર રાષ્ટ્રીય સરહદ ઉપર ખાનગી કંપનીઓને ઉદ્યોગ સ્થાપવાના  નામે દેશની સુરક્ષાના નિયમોની અનદેખી કરીને ગુજરાત સરકાર દ્વારા આડેધડ આપવામાં આવેલ અનસર્વે હજારો એકર જમીન સંદર્ભે સતાવાર આધાર પુરાવા અને નકશા સાથે દેશના ગૃહમંત્રીશ્રી અમીતભાઇ શાહને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે ભુજના સામાજીક અગ્રણી આદમભાઇ ચાકી, ડો. રમેશ ગરવા તથા ઘનશ્યામસિંહ ભાટીએ દિલ્હી સ્થિત ગૃહમંત્રીના કાર્યાલય ગુજરાત રાજયના મુખ્ય સચિવ, કચ્છ બોર્ડર રેન્જના આઇ. જી. અને જીલ્લા કલેકટરને ઇ-મેઇલ દ્વારા પત્ર પાઠવી સમય માંગેલ છે.

સામાજીક અગ્રણીઓએ ગૃહમંત્રીને પાઠવેલા પત્રમં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા કચ્છ સ્થિત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરની અંદર ૧પ કિલોમીટર જેટલા વિસ્તારમાં પાવર પ્રોજેકટ અને અન્ય ઉદ્યોગો માટે ખાનગી કંપનીઓને હજારો એકર ચનસર્વે જમીન લખપત અને ભુજ તાલુકાના વિસ્તારોમાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર, વિઘા કોર્ટ હરામી નાળા સીરક્રીક, ચીડીયામોર, ધર્મશાળા સહિતના વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે જેના લીધે ભવિષ્યમાં ભારતની પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે.

ઉપરાંત આ સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય સૈનિકો અને કચ્છના પાકિસ્તાન સ્થિત સરહદ ઉપરના ગામડામાં વસવાટ કરતા ભારતના નાગરીકોની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હોઇ દેશની સુરક્ષા અને સલામતી માટે સામાજીક અગ્રણીઓએ ભારતના નાગરીક તરીકે દેશની સુરક્ષાના હિતમાં દેશના ગૃહમંત્રી શ્રી અમીત શાહને આધાર પુરાવા અને નકશા સાથે રજુઆત કરી છે.

(12:17 pm IST)