Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધ્રોલ પંથકમાં દુષ્કર્મ આચરતા ૧૩ વર્ષની તરૂણી માતા બનતા આરોપી અનેશ ભુરીયાની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૧ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાડી વિસ્તારમાં રહેતી અને ખેત મજૂરી કામ સાથે જોડાયેલી માત્ર ૧૩ વર્ષની એક તરૂણી એ  જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે પ્રસૂતા તરૂણી અને તેનું બાળક બંને તંદુરસ્ત અવસ્થામાં છે. જેના જન્મને લઇને જામનગર જી.જી હોસ્પિટલનું તંત્ર અચંબામાં પડી ગયું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરાયા પછી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને ભોગ બનનાર પ્રસૂતાની પુછપરછ કરાઈ છે.

તેના આધારે આજથી સાત મહિના પહેલા સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ૧૩ વર્ષની એક તરુણી સગર્ભાવસ્થામાં દાખલ થઇ હતી, અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. જે સગીરાના કેસ પેપરમાં તેણીની ઉંમર ૧૯ વર્ષની દર્શાવાઈ હતી. પરંતુ ગાયનેક વિભાગની ટીમને સગીરાની ઉંમર બાબતે શંકા જતા તુરંત જ જી.જી.હોસ્પિટલની પોલીસ ચોકીના એ.એસ.આઈ. મગનભાઈ ચનીયારાને જાણ કરી હતી.જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી, ભોગ બનનાર પ્રસૂતા તરૂણી અને તેણીના બેન-બનેવી વગેરેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસ દ્વારા સૌપ્રથમ સગીરાનું આધારકાર્ડ માંગવામાં આવ્યું હતું. જેમાં તેણી ની જન્મ તારીખ ૧.૧.૨૦૦૭ દર્શાવેલ હતી. જેથી સગીરા માત્ર ૧૩ વર્ષની ઉંમરની હોવાનું જાણવા મળતાં પોલીસે સમગ્ર પ્રકરણની વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં આખરે ભોગ બનનાર સગીરા અને તેના બહેન-બનેવી એ ખુલાસો કર્યો હતો. અને  સાત મહિના પહેલા ધ્રોલ તાલુકાના આણંદપર ગામની સીમમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા હતા, જે દરમિયાન પાડોશીની વાડીમાં જ કામ કરતો અનેશ કાળુભાઇ ભુરીયા નામનો શખ્સ કે જેણે સગીરાને આજથી સાતેક મહિના પહેલા ત્રણેક વખત પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી.

જેના કારણે તેણી સગર્ભા બની છે, અને બાળકને જન્મ પણ આપી દીધો છે. જેથી સૌ પ્રથમ ઉપરોકત મામલે ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બનાવ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પોલીસ મથક ના કોઠારીયા પોલીસ સ્ટેશન હેઠળ આવતો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી છે, અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપી અનેશ ભુરીયા સામે પોકસો એકટની કલમ ઉપરાંત ૩૭૬ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને ભોગ બનનાર અને તેના બાળકના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની તપાસ દરમિયાન આરોપી અનેશ ભૂરીયા જોડિયા તાલુકાના તારાણા ધાર વિસ્તારમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો હોવાથી પોલીસ ટુકડી ત્યાં પહોંચી ગઈ છે, અને આરોપીને પણ પકડી લેવા માટે તેમ જ તેનો કોવિડ ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માત્ર તેર વરસની સગીરા એક બાળકની માતા બની ગઇ હોવાથી ભારે ચકચાર જાગી છે.

(11:44 am IST)